ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા માટે દિલ્હીમાં ગુરુવારે સ્ક્રીનિંગ કમિટીની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
હવે ૧૦મી નવેમ્બરે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજવામાં આવશે, જેમાં પહેલા તબક્કાના ૮૯ ઉમેદવારોની પ્રથમ યાદીને ચર્ચા વિચારણા બાદ મંજૂરી આપવામાં આવશે. આ યાદીની જાહેરાત નવેમ્બરના ત્રીજા સપ્તાહે કરાશે.
કોંગ્રેસના ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપી દેવાયો છે અને નિર્ણય માટે હાઈકમાન્ડની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ગત ચૂંટણીમાં કરતાં આ વખતે પાટીદારોને વધુ બેઠકો ફાળવવામાં આવશે તેનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. આંદોલનકારી યુવા કોંગ્રેસમાં જોડાયા એ પછી કેટલીક બેઠકો પર નવેસરથી ઉમેદવારી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં અન્ય ચૂંટણીલક્ષી મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. હવે આજે સીઈસીની મહત્ત્વની બેઠક મળશે, જેમાં પહેલી યાદીને મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.