ભારતીય કાર માર્કેટ માટે સપ્ટેમ્બર મહિનો ઘણો જ અલગ રહેવાનો છે. આગામી ત્રણ દિવસમાં ત્રણ નવી લક્ઝુરિયસ SUV કાર ભારતની અંદર લોન્ચ થવા જઈ રહી છે. દક્ષિણ કોરિયાની કંપની Hyundai Venue N Line લોન્ચ કરશે. અહેવાલો અનુસાર, ફ્રેન્ચ કાર કંપની સીટ્રોન C5 એરક્રોસ એસયુવીનું ફેસલિફ્ટ વર્ઝન 7 સપ્ટેમ્બરના બીજા દિવસે જ લોન્ચ કરશે. ત્યારે ભારતીય કાર કંપનીઓ ક્યાં પાછળ હશે? ભારતીય SUV નિષ્ણાત મહિન્દ્રા પણ 8મી સપ્ટેમ્બરે તેની પહેલી ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400 લોન્ચ કરવા માટે તૈયાર છે.
Hyundai Venue N Line SUV
Hyundai Motors India Limited 6 સપ્ટેમ્બરે Venue N Line SUV લોન્ચ કરશે. આવનારી SUV કાર બે ટ્રીમ ઓપ્શન્સ N6 અને N8 સાથે ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. Hyundaiની નવી SUV 1.0-લિટર થ્રી-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની શક્તિ સાથે આવશે. આમાં માત્ર 7 સ્પીડ ડીસીટી ટ્રાન્સમિશન ઓપ્શન ઉપલબ્ધ હશે. તેને વર્તમાન વેન્યુ કારથી અલગ બનાવવા માટે તેના બાહ્ય ભાગમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
નવી વેન્યુ એન લાઇનમાં ડાર્ક ક્રોમ ફ્રન્ટ ગ્રિલ, કોન્ટ્રાસ્ટ રેડ એક્સેન્ટ્સ, 16-ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, એન લાઇન બેજ, રેડ બ્રેક કેલિપર્સ જેવી કેટલીક સુવિધાઓ છે, જે વેન્યુ એન લાઇનને વર્તમાન મોડલથી અલગ બનાવે છે.
Citroen C5 એરક્રોસ ફેસલિફ્ટ
ફ્રેન્ચ કાર કંપની Citroen એ ગયા વર્ષે C5 Aircross SUV સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. જોકે, આ કાર ભારતીય ગ્રાહકોમાં અપેક્ષા મુજબની ઓળખ બનાવી શકી નથી. Citron ની પ્રીમિયમ SUV C5 Aircross નું ફેસલિફ્ટ વર્ઝન પહેલેથી જ વૈશ્વિક બજારમાં વેચાઈ રહ્યું છે. હવે 7 સપ્ટેમ્બરે ફ્રેન્ચ કંપની C5 એરક્રોસનું ફેસલિફ્ટ ભારતમાં પણ લોન્ચ કરશે.
મહિન્દ્રા XUV400
મહિન્દ્રાની પહેલી ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400 8 સપ્ટેમ્બરે લોન્ચ થશે. તેની સીધી સ્પર્ધા ભારતની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર Tata Nexon EV સાથે થશે. ઓટો વેબસાઈટ અનુસાર આવનારી મહિન્દ્રા XUV400 ફુલ ચાર્જ પર 400 કિમી ચાલી શકે છે. મહિન્દ્રા XUV400 માં મોટી ટચસ્ક્રીન અને ADAS ટેક્નોલોજી જેવી ઘણી સુવિધાઓ મળવાની અપેક્ષા છે.