રીના બ્રહ્મભટ્ટ
સોશિયલ મીડિયા એક તેવું પ્લેટફોર્મ છે કે જેમાં વિવાદ પેદા કરનારા લોકોને ખુબ જલ્દી પબ્લીસીટી મળે છે. અને પબ્લિક પણ હવે સમજી ગઈ છે કે, સોશિયલ મીડિયા એમના અવાજ રજુ કરવાનું પણ સાધન બની શકે. ભાજપ અને કોંગ્રેસને બંનેને સોશિયલ મીડિયાના આ રુખનો અનુભવ થઇ ચુક્યો છે. મોદીનો વિકાસ આજ મીડિયા પર ગાંડો થયો અને રાહુલ પણ આજ મીડિયાની દેન થી પપ્પુ બન્યા. જેમાં ખાસ તો ભાજપને કોંગ્રેસે ચલાવેલ “વિકાસ ગાંડા થયો” નું કેમ્પેન ભારે પરેશાન કરી ચુક્યું છે. અને જે વિકાસના નારા સાથે તેઓ દેશની અનેક ચુંટણીઓ જીત્યા એ જ વિકાસ આજે ઉપહાસને પાત્ર બન્યો છે.
૨૦૧૪ ની ચુંટણી જીતવામાં વિકાસનો મોટો ફાળો હતો. આમ તો મોદી અને બીજેપીએ સોફ્ટ હિન્દુત્વને એજન્ડા બનાવેલ હતું અને એમના વાયદાઓમાં કાશ્મીરમાં થી કલમ-૩૭૦ હટાવવી, રામ મંદિર બનાવવું જેવા વચનો હતા. પરંતુ તેઓ ગાંધીનગરથી દિલ્હી ગયા બાદ એમને લાગ્યું કે, મુસ્લિમોને રાજી રાખવા કે ભાજપ તરફી કરવા હવે હિંદુ એજંડા ત્યજી “સૌનો સાથ સૌનો વિકાસ” સુત્ર આપવું પડશે. અને ત્યાર બાદ સમગ્ર દેશને એક્સુત્રતાથી બાંધવા આ સ્લોગનનો ભરપુર ઉપયોગ થવા લાગ્યો.
પરંતુ ગયા નવેમ્બરથી ભાજપે લાગુ કરેલ નવી આર્થિક નીતિઓ બાદના પગલા લોકોને કોઈ રીતે અનુકુળ આવ્યા નહિ. અને લોકોએ ખુબ હાલાકી વેઠવી પડી. જેમાં તૂટેલા રોડ-રસ્તા, બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ તંત્રની ઘોર લાપરવાહી, રોગચાળા, ખટારા બસો જેવી ચીજ વસ્તુઓને વિકાસ ગંદો થયો છે ના નામે ટ્રોલ કરવામાં આવી. અને ટ્રોલર્સ પણ આવી હેશ્ટેગને લઈને ખુબ મજા લઇ રહ્યા છે. પણ આમાં સૌથી વધુ મઝા કોંગ્રેસે લીધી. કેમ કે, એને ભાજપ વિરુદ્ધ એક મોટો મુદ્દો મળી ગયો.
વધુમાં રાહુલ એનો ભરપુર લાભ ઉઠવવા તેમની રેલીઓમાં લોકોને પૂછે છે કે, “ગુજરાતમાં વિકાસને શું થયું છે” ત્યારે લોકો પણ ખુબ જોશથી બોલે છે કે, વિકાસ ગાંડો થયો છે. અને આટલું જ નહિ પણ રાહુલ એમ કહીને પણ મઝા લઇ રહ્યા છે કે, બીજેપીએ વિકાસને પાગલખાનામાં ભરતી કર્યો છે.
વિશેષમાં વિકાસ ગાંડો થયો છે ને મનોરંજક પેરોડી બનાવવા પાછળ અમદાવાદના જ પટેલ જાતિના જ એક યુવક સાગર સાવલિયાનો ફાળો છે.
સિવિલ એન્જીનીયરીંગના વિધાર્થી સાગર [૨૦ વર્ષીય] અસલમાં હાર્દિક પટેલના આગેવાની ધરાવતી “પાસ” ના આઈટી સેલને લીડ કરે છે. અને એમણે ઓગસ્ટમાં પ્રથમ વખત ફેસબુક માં “ વિકાસ ગાંડો થયો છે “ પોસ્ટ કર્યું હતું. અને એમને આ લાઇન પ્રથમ વખત હાઈ-વે પર એક્સેલ તૂટેલ બસ કે જેના બે પૈડા બહાર આવી ગયા હતા તેવી બસ સાથે પોસ્ટ કરી હતી. અને સાગરના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે જ ૨૦૦ લોકોએ તેને શેર કરી હતી. અને ત્યાર બાદ કોંગ્રેસના આઈટી સેલે પણ અ ટેગ લાઈનનો વપરાશ ચાલુ કર્યો. અને તે ખુબ લોક્પ્રીય બની..
જો કે, બીજેપીનું ૨૦૧૭ નું ચુંટણી માટેનું મોદીનું સ્ટેન્ડ વંશવાદ વિરુદ્ધ વિકાસવાદ જ રહેશે. અને આ મામલે બીજેપીએ તેનું વલણ સ્પસ્ટ કરી દીધું છે કે, એનો નારો આજે પણ એ જ રહેશે. અને મોદી એમની રેલીમાં બોલી પણ ચુક્યા છે કે, જીત વિકાસવાદની જ થશે.