ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(56) અસારવા (અમદાવાદ શહેર) વિધાનસભા બેઠક
અસારવા વિધાનસભા બેઠક બીજેપીનો ગઢ માનવામાં આવે છે, વર્ષ 1990માં ચાલેલી રામ જન્મભૂમિ આંદોલનની લહેર પછીની ચુંટણીથી અહી સતત ભાજપ જીતતું આવ્યું છે.
રાજ્યમાં વર્ષ 1962 માં પહેલી વિધાનસભા ચુંટણી યોજાઈ ત્યારથી લઈને વર્ષ 1990 સુધી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીતતા હતાં.
વર્ષ 1990 પછીની દરેક ચુંટણીઓમાં ભાજપે અહી પાછુ વળીને નથી જોયું, આ બેઠક પરથી સતત 2017 સુધી ધારાસભ્યોના ચહેરોઓ બદલાતા રહ્યા પણ ભાજપનું કમળ અહી સતત ખીલતું રહ્યું.
વર્ષ 2002 ની ચુંટણીમાં એ વખતના ભાજપ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા પ્રદીપસિંહ જાડેજાએ જીત મેળવી હતી, તેઓ વર્ષ 2002 અને વર્ષ 2007 માં આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, 2007 બાદ જ્યારે આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત થઈ ત્યારે ભાજપે અહીથી ગરીબ કલ્યાણ મેળાના જનક ગણાતાં રજનીકાંત પટેલને ટિકિટ આપેલી, અને છેલ્લે વર્ષ 2017 માં આ બેઠક પરથી પ્રદિપભાઈ પરમાર ધારાસભ્ય બન્યાં, જેઓ હાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે.
શું છે આ બેઠક પરનું જ્ઞાતિગત ગણિત
અસારવા વિધાનસભા બેઠકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના SC જાતિના મતદારોનો પ્રભાવ છે, આ સીટ ઉપર વણકર અને રોહિત સમાજના મતદારો મોટા પ્રમાણમાં છે,
ઉપરાંત આ બેઠક પર ખાસ કોઈ જ્ઞાતિગત સમીકરણ કરતાં નેતાઓના પ્રભાવ પર હંમેશા મતદાન થતું આવ્યું છે.
શું છે અહીંના પ્રશ્નો
અસારવા વિધાનસભા બેઠકમાં એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ ગણાતી સિવિલ હોસ્પિટલ આવે છે, ઉપરાંત શાહીબાગ વિસ્તાર પણ અસારવા વિસ્તારમાં આવે છે.
આ વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા રહી છે, જેમાં થોડા વર્ષોથી સુધારો થયો હોય તેવું પણ માની શકાય, આ ઉપરાંત દબાણ કરેલી મિલકતો હંમેશા આ વિસ્તારના લોકોની સમસ્યા રહી છે.
શું રહેશે આગામી ચુંટણીમાં અહીંની રાજકીય પરિસ્થિતિ
એટલું તો ચોક્કસ છે કે કોંગ્રેસને આ બેઠક પર જીત મેળવવી કદી આસાન નથી રહી, અને વારંવાર હારના કારણે આ વિસ્તારમાં કોંગ્રેસનું મૂળભૂત સંગઠન પણ અસ્તવ્યસ્ત નજરે પડે છે.
જ્યારે ભાજપની વાત કરીએ તો આ બેઠક ભાજપની સેફ સીટ મનાતી હોવાથી અનેક નેતાઓ ઉમેદવારી માટે પડાપડીની તૈયારીમાં છે,
અસારવા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત હોવાથી SC સમાજના નેતાઓ ઉમેદવારોનું લાંબુ લીસ્ટ છે, જેમાં અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવતા પૂર્વ મેયર દર્શનાબેન વાઘેલા, ભાજપના પ્રદેશ પ્રવકતા કિશોર મકવાણા, નરેશ ચાવડા સહિતના અનેક ઉમેદવારો સંભવિત ગણી શકાય છે.
© SatyaDay Daily