વિધાનસભામાં માત્ર ત્રણ વાર વર્ષ 2012, 2017 અને 1985માં 16 ધારાસભ્યો જોવા મળ્યા છે. આ સંખ્યા લોકસભા અને અન્ય રાજ્યોની વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતની સરખામણીએ ઘણી ઓછી છે.વર્ષ 2014માં જ્યારે ગુજરાતનું સુકાન રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથમાં હતુ ત્યારે સરકારે ગુજરાત લોકલ ઑથોરિટીઝ લો કાયદામાં ફેરફાર કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સત્તાસ્થાને સ્ત્રીઓ માટે 50 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે અનેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, 125 મ્યુનિસિપાલિટી, 30 જિલ્લા પંચાયત અને 225થી વધુ તાલુકા પંચાયત અને ગામડાની હજારો ગ્રામ પંચાયતને અસર પડી હતી. જો કે વિધાનસભાની વાત કરીએ તો સ્ત્રી ધારાસભ્યોની સંખ્યા ક્યારેય 16થી વધી નથી, જે કુલ સંખ્યાના 9 ટકાથી પણ ઓછી છે.
વઢવાણ સીટ પરથી છેલ્લી બે ટર્મ્સથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા વર્ષા દોષી જણાવે છે કે ગુજરાત વિધાનસભામાં સ્ત્રીઓની વધુ મજબૂત રજૂઆતની જરૂર છે. તેમણે કહ્યું, “ધીમેધીમે આ બદલાવ આવશે. પાર્ટી તેના પર કામ કરી રહી છે. હું એટલું કહી શકું કે સ્ત્રી ધારાસભ્ય સ્ત્રી મતદાતાઓ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે અને બળતણથી માંડીને શૌચાલય સુધી તેમની તમામ સમસ્યાઓ વધુ સારી રીતે સમજી શકે છે. સ્ત્રીઓ રિયલ લાઈફમાં પણ એક સાથે અનેક કામ કરવાની ક્ષમતા ધરાવે છે જે પોલિટિક્સમાં પણ તે વાત લાગુ પડે છે.”
હવે જોવાનું એ છે કે મહિલાઓનું યોગદાન બીજા બધા ક્ષેત્રની જેમ રાજકારણમાં પણ વધે તેવો માહોલ રચાય તે જરૂરી છે. વધુ સંખ્યામાં મહિલાઓ પોતાનું યોગદાન આપે તે પ્રયાસોનું પરિણામ મળે તે જરૂરી છે.