IncomeTax Tribunal : કોંગ્રેસ પાર્ટીને ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ તરફથી વચગાળાની રાહત મળી છે. આવકવેરા ટ્રિબ્યુનલે કોંગ્રેસ પાર્ટીને ખાતાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. ટ્રિબ્યુનલ હવે આ મામલે આગામી બુધવારે સુનાવણી કરશે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીના કુલ 9 ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ગઈ કાલે કોંગ્રેસે ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને ગઈકાલે એક દિવસ પહેલા એફિડેવિટ ફાઈલ કરી હતી અને આજે ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં તેની સુનાવણી થઈ હતી. કોંગ્રેસ વતી રાજ્યસભાના સાંસદ વિવેક ટંખા હાજર રહ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કોંગ્રેસને વચગાળાની રાહત મળવાની જાણકારી આપી હતી.
આ પહેલા કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના ખાતા જપ્ત કરવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકશાહીને તાળા મારી રહી છે.