‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘R.K. Laxman કી દુનિયા’ અને ‘ચંદ્રકાંત ચિપલુનકર સીઢી બમ્બાવાલા’ જેવી અનેક સુપરહિટ હિન્દી તથા ગુજરાતી સિરિયલો અને નાટકોના પ્રોડ્યુસર-ડિરેક્ટર ધર્મેશ મહેતાની પહેલી ગુજરાતી ફિલ્મ ‘Pappa તમને નહીં સમજાય’માં પહેલી વખત ગ્રેટ કૉમેડિયન જૉની લીવર પણ દેખાશે. આ અગાઉ જૉનીભાઈને ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોની ઑફર આવી અને તેમણે ના પાડી, પણ ‘Pappa તમને નહીં સમજાય’ની વાર્તા સાંભળ્યા પછી તેમણે તરત જ ફિલ્મ માટે હા પાડી હતી. ફિલ્મમાં કૉલેજના પ્રિન્સિપાલનું કૅરૅક્ટર કરી રહેલા જૉની લીવર કહે છે, ‘જે ફિલ્મો કરવાની ના પાડી એ ફિલ્મોમાં ગાંડાઘેલાં કાઢવાનાં હતાં. એવું કામ તો હિન્દી ફિલ્મોમાં પણ પુષ્કળ છે અને એ પણ મોટી ફી સાથે, પણ એવું કામ તો હવે ત્યાં પણ નથી કરવું. ‘Pappa તમને નહીં સમજાય’ એક બ્યુટિફુલ અને આજના સમયની જરૂરિયાતનો સબ્જેક્ટ છે. એમાં એક વાત છે, જે એકેક ઘરમાં જઈને મને યંગસ્ટર્સને કહેવી છે, સમજાવવી છે. આઇ ઍમ હૅપી કે મેં આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મની શરૂઆત કરી. હું કહીશ કે ‘Pappa તમને નહીં સમજાય’ પાથ-ચેન્જર બનશે અને મારો આ કૉન્ફિડન્સ ડિરેક્ટર ધર્મેશ મહેતાને કારણે છે. તેની કૉમેડીની સેન્સ સુપર્બ છે, જે આજના ડિરેક્ટર્સમાં રૅર જોવા મળે છે.’
‘Pappa તમને નહીં સમજાય’ ફિલ્મના ટાઇટલમાં દેખાડે છે એ રીતે બાપ-દીકરાની સ્ટોરી કહે છે, પણ આ વાર્તાની ખાસિયત એ છે કે એમાં માત્ર દીકરાની જ માનસિકતા નહીં પણ બાપની પણ માનસિકતા બદલાવવાની ક્ષમતા છે. ડિરેક્ટર ધર્મેશ મહેતા કહે છે, ‘કેટલાક સબ્જેક્ટ એવા હોય છે જે ફિલ્મ બનવા માટે જ સર્જાયા હોય. આ સબ્જેક્ટ પણ એવો જ છે. હું ગૅરન્ટી સાથે કહું છું કે આ ફિલ્મ જોયા પછી બાપ-દીકરા વચ્ચે જે જનરેશન ગૅપ જોવા મળતો હોય છે એ દૂર થશે અને દરેક દીકરો પપ્પાને તો પપ્પા પણ દરેક દીકરાને સમજવાની કોશિશ કરશે.’
પ્રોડ્યુસર અલ્પેશ પટેલ, હર્ષ પટેલ અને સ્નેહલ ત્રિવેદીની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થશે. ફિલ્મનું લીડ કૅરૅક્ટર ટપુ એટલે કે ભવ્ય ગાંધી કરે છે તો ભવ્ય અને જૉની લીવર ઉપરાંત ફિલ્મમાં મનોજ જોષી અને કેતકી દવે જેવાં માતબર ઍક્ટરો પણ છે