નવી દિલ્હી: કરણ જોહરના સેલિબ્રિટી ટોક શો ‘કોફી વિથ કરણ’માં અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાએ પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે સંકળાયેલા કેટલાંક રહસ્યો જગજાહેર કર્યાં છે. આ દરમિયાન ટ્વિંકલે પોતાની મમ્મી ડિમ્પલ કાપડિયાના અક્ષયને લઈને એવા વિચારોનો ઘટસ્ફોટ કર્યો છે કે જે સાંભળીને તમે ચોંકી ઊઠશો.
એવું કહેવાય છે કે પુરુષો બહાર ભલે ગમે એવી વાતો કરતા હોય, પરંતુ પત્ની સામે તેની બોલતી બંધ થઈ જાય છે. ટીવી શો ‘કોફી વિથ કરણ’માં અક્ષયકુમારને જોઈને આ વાતની ખાતરી થઈ ગઈ છે. સમગ્ર શો દરમિયાન ટ્વિંકલ જ સતત બોલતી હતી અને અક્ષય ચુપચાપ તેની સાથે બેસીને કોફી પીતો હતો. આ દરમિયાન ટ્વિંકલે જણાવ્યું હતું કે તેની મમ્મી ડિમ્પલ કાપડિયાને એવું લાગતું હતું કે અક્ષયકુમાર ‘ગે’ (સમલૈંગિક) છે. એટલા માટે ડિમ્પલ ઈચ્છતી ન હતી કે ટ્વિંકલ અને અક્ષયનાં લગ્ન થાય.
ટ્વિંકલે જણાવ્યું હતું કે અક્ષયે મને પ્રપોઝ કર્યું હતું અને મેં હા કહેતાં તેઓ મારી મમ્મી પાસે મારો હાથ માગવા ગયા હતા. જ્યારે મમ્મીને મેં અક્ષય સાથે લગ્ન કરવાની વાત કરી તો તે ચોંકી ઊઠી હતી. વાસ્તવમાં મારા એક પત્રકાર મિત્ર સંદીપે મને જણાવ્યું હતું કે અક્ષયકુમાર ‘ગે’ છે, પરંતુ મને આ વાતનો વિશ્વાસ ન હતો. મેં આ વાત મારી મમ્મી સાથે શેર કરી હતી. એટલા માટે તેમણે જણાવ્યું હતું કે અક્ષય અને તારે એક વર્ષ સુધી સાથે રહેવું પડશે અને ત્યાર બાદ નિર્ણય કરીશું કે શું કરવું છે. પછી અમે એક વર્ષ સુધી સાથે રહ્યા હતા અને ત્યાર બાદ અમારાં લગ્ન થયાં હતાં. ટીવી શો ‘કોફી વિથ કરણ’માં પ્રથમવાર એવું થયું હતું કે જ્યારે સેલિબ્રિટીએ બીજા માટે રોમેન્ટિક ગીત ગાયું હોય. અક્ષય જ્યારે ગીત ગાતો હતો ત્યારે ટ્વિંકલ ભાવુક થઈ ગઈ હતી.