ટ્વિન્કલ ખન્નાનું કહેવું છે કે બૉક્સ-ઑફિસને કૉન્સ્ટિપેશનથી ફ્રી કરવા માટે ‘ટૉઇલેટ…’ની જરૂર હતી. અક્ષયકુમારની ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’એ ઓપનિંગ વીક-એન્ડમાં બૉક્સ-ઑફિસ પર ૫૧.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સલમાન ખાનની ‘ટ્યુબલાઇટ’ અને શાહરુખ ખાનની ‘જબ હૅરી મેટ સેજલ’ જ્યારે બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી ત્યારે અક્ષયની ફિલ્મે ધમાલ મચાવી છે. ટ્વિન્કલે ખુશીમાં આવી ગઈ તેની સ્ટાઇલમાં ટ્વીટ કર્યું હતું કે ‘બૉક્સ-ઑફિસને કૉન્સ્ટિપેશનથી બ્રેક-ફ્રી કરવા માટે એને પણ ‘ટૉઇલેટ…’ની જરૂર પડી છે. હિટ હિટ હૂર્રે.’
અક્ષયકુમારની ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’એ ઓપનિંગ વીક-એન્ડમાં ૫૧.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઓપનિંગ વીક-એન્ડ એટલે કે શુક્રવારે ૧૩.૧૦ કરોડ, શનિવારે ૧૭.૧૦ કરોડ અને રવિવારે ૨૧.૨૫ કરોડ સાથે ટોટલ ૫૧.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રવિવારે આ ફિલ્મ ૫૦ કરોડના આંકડાની નજીક આવશે એવી ધારણા રાખવામાં આવી હતી, પરંતુ ફિલ્મે ધાર્યા કરતાં ખૂબ સારો બિઝનેસ કર્યો છે. અક્ષયની બાકી ફિલ્મોની જેમ આ પણ ખૂબ જલદી ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી મારશે એવી આશા છે.
અક્ષયકુમાર બૉલીવુડમાં ખિલાડીકુમાર તરીકે પણ ઓળખાય છે અને હવે તે ફરી ઍક્શન ફિલ્મ કરવા માગે છે. અક્ષયકુમારે ‘ખિલાડી’ સિરીઝની ઘણી ફિલ્મો કરી છે અને ઘણાં વર્ષ થઈ ગયાં છે તેણે આવી ફિલ્મો કરીને. અક્ષયના પણ ઘણા ફૅન્સ તેની ઍક્શન ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ વિશે પૂછતાં અક્ષયકુમાર કહે છે કે ‘હું ઍક્શન ફિલ્મ કરવા તૈયાર છું અને હું એની ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું. કોઈ મારી પાસે ઍક્શન-સ્ક્રિપ્ટ લઈને આવે એની હું રાહ જોઈ રહ્યો છું. ફરી ખિલાડી બનવાની મને ખૂબ મજા આવશે.
અક્ષયકુમાર અને અર્જુન કપૂર વચ્ચે કોઈ પ્રૉબ્લેમ નથી ચાલી રહ્યો. અક્ષયકુમારની ‘નમસ્તે કૅનેડા’ અર્જુનને ઑફર થતાં તેમની વચ્ચે પ્રૉબ્લેમ હોવાની ચર્ચા ચાલી હતી. જોકે હકીકત એ છે કે અર્જુનને જેવી આ ફિલ્મની ઑફર કરવામાં આવી કે તરત તેણે અક્ષયને ફોન કર્યો હતો. તેની સાથે વાત કર્યા બાદ અજુર્ને ફિલ્મ સ્વીકારી હતી. એવી પણ ચર્ચા ચાલી હતી કે અજુર્ને ફિલ્મ સ્વીકારી હોવાથી અક્ષયકુમારે ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’ નામ નહોતું આપ્યું. પ્રોડ્યુસર વિપુલ શાહ સાથેના મતભેદને લઈને અક્ષયે નામ નહોતું આપ્યું, અર્જુનને કારણે નહીં.