મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતના પિતા કે.કે.સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે બિહારમાં રિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે માંગ કરી છે કે પટણામાં તેના વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે. આ સાથે રિયાએ આરોપ લગાવ્યો છે કે સુશાંતના સંબંધીઓ તપાસને પ્રભાવિત કરી રહ્યા છે.
રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનો સંબંધી એડીજી હરિયાણા પોલીસ બિહાર પોલીસમાં એફઆઈઆર નોંધાવવા અને તપાસને પ્રભાવિત કરવા પાછળ હોઈ શકે છે. તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણી પર તેમની વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. રિયાએ એમ પણ કહ્યું કે સિદ્ધાર્થે મુંબઈ પોલીસને એક ઇમેઇલ લખ્યો હતો.
સિદ્ધાર્થ પીઠાણીએ મુંબઇ પોલીસને એક ઇમેઇલ લખીને જણાવ્યું હતું કે 22 જુલાઈએ મને સુશાંતના પરિવારનો ઓપી સિંહ અને મિતુ સિંહનો ફોન આવ્યો હતો. તેણે મને રિયા ચક્રવર્તી અને સુશાંત સાથે રહેવા દરમિયાન રિયાના ખર્ચ વિશે પૂછ્યું. 27 જુલાઈએ, ઓપી સિંહનો ફોન આવ્યો અને તેણે મને રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહાર પોલીસને નિવેદન આપવા કહ્યું. તેણે ઇમેઇલ પર એમ પણ કહ્યું છે કે તેના પર દબાણ આવી રહ્યું છે.