મુંબઈ : એક જાડી છોકરીના પાત્રથી પોટાઇન કારકિર્દીની શરૂઆત કરનાર ભૂમિ પેડનેકરે ટોયલેટ, શુભ મંગલ સાવધન જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનયને કારણે ખૂબ ટૂંકા સમયમાં દર્શકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં જ તેમને દક્ષિણ કોરિયામાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી.
ભૂમિ પેડનેકરને દક્ષિણ કોરિયામાં યોજાયેલા બુસન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ફેસ ઓફ એશિયા એવોર્ડથી નવાજવામાં આવી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતવા પર મિડ ડેને આપેલા ઇન્ટરવ્યુમાં ભૂમિએ કહ્યું કે, “હું ખુશ છું કે મારા કાર્યને બુસાનના પ્રેક્ષકો અને વિવેચકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. આ મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત છે તેથી મને ગર્વ છે. મને હંમેશાં એવી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા થઈ છે જે કંઇક અગત્યની વાત રજૂ કરે છે અને આજ સુધી મેં મારી પ્રામાણિકતા સાથે કામ કર્યું છે. હું એવા સિનેમાનો ભાગ બનવા માંગુ છું જેને ભવિષ્યમાં પણ યાદ કરવામાં આવે. “