મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પતિ વિરાટ કોહલી સાથેની તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ કોહલી સગર્ભા અનુષ્કા શર્માને શીર્ષાસન કરવામાં મદદ કરે છે. જાન્યુઆરી 2021માં અનુષ્કા શર્મા તેના પહેલા બાળકને જન્મ આપવા જઇ રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ લોકડાઉન દરમિયાન અનુષ્કાએ પોતાને ફીટ રાખી છે.
આ તસવીર શેર કર્યા પછી અનુષ્કાએ કહ્યું કે, તે છેલ્લા ઘણા સમયથી શીર્ષાસન કરી રહી છે. તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘યોગ એ મારા જીવનનો મોટો ભાગ છે. મારા ડોકટરે મને સલાહ આપી કે હું આગળ ઝૂકવા સિવાય એ તમામ યોગ કરી શકું છું, જે હું ગર્ભાવસ્થા પહેલા કરતી હતી. પરંતુ યોગ્ય અને જરૂરી સપોર્ટ સાથે. હું છેલ્લા ઘણા વર્ષોથી શીર્ષાસન કરી રહી છું. આ વખતે મેં એ ધ્યાન આપ્યું કે સપોર્ટ માટે દીવાલનો આધાર લવ અને બેલેન્સ જાળવવા માટે મારા પતિએ મને મદદ કરી. આ સાથે જ મેં મારી યોગ શિક્ષકની દેખરેખ હેઠળ પણ કર્યું, જે આ સત્ર દરમિયાન વર્ચ્યુઅલ રીતે મારી સાથે હતા. મને ખુશી છે કે હું ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની પ્રેક્ટિસ ચાલુ રાખવામાં સક્ષમ હતી. ‘
બાળજન્મ સમયે વિરાટ કોહલી ભારત પરત ફરશે
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ પર છે, જ્યારે અનુષ્કા શર્મા મુંબઇમાં તેનું શૂટિંગ પૂર્ણ કરી રહી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ મેચ બાદ પેર્ટનિટી લીવ પર સ્વદેશ પરત ફરશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં વિરાટ એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચનો જ ભાગ બનશે. કોહલીને બીસીસીઆઈ દ્વારા રજા આપવામાં આવી છે.