મુંબઈ : ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા અરમાન કોહલીને મુંબઈની કોર્ટે 1 સપ્ટેમ્બર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અરમાન કોહલીના મુંબઈ ખાતેના ઘરે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તેના ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સ મળ્યા બાદ એજન્સીએ તેની પૂછપરછ કરી અને પછી તેની ધરપકડ કરી.
અગાઉ 29 ઓગસ્ટ, રવિવારે કોર્ટે અરમાન કોહલીને NCB ની એક દિવસની કસ્ટડીમાં મોકલી દીધો હતો. તેમના સિવાય ડ્રગ પેડલર રાજુ સિંહને પણ કોર્ટે એક દિવસ માટે NCBની કસ્ટડીમાં મોકલ્યો હતો. જણાવી દઈએ કે શનિવારે એનસીબીએ મુંબઈમાં અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા હતા. ઘરમાંથી કેટલીક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ, પહેલા તેની અટકાયત કરવામાં આવી અને પછી બીજા દિવસે સવારે, NCB એ માહિતી આપી કે ડ્રગ્સ જપ્ત કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ પેડલરની ધરપકડ
અરમાન કોહલીની ધરપકડ બાદ એનસીબીએ તેની કાર્યવાહી તેજ કરી છે. આજે એજન્સીએ મુંબઈના જુહુ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને બે ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી. એમસી ડ્રગ સાથે એનસીબી દ્વારા બંને પેડલર્સની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, અરમાન કોહલીની ધરપકડ પહેલા પણ ડ્રગના કેસમાં ઘણા બોલીવુડ સેલેબ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એજાઝ ખાન અને ભારતી સિંહના નામ પણ સામેલ છે. સુશાંત સિંહ મૃત્યુ કેસ પછી, ડ્રગ્સ સંબંધિત કેસોની તપાસમાં ઝડપી વધારો થયો છે અને ઘણા મોટા નામો પણ સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે અરમાન કોહલીએ સલમાન ખાન સ્ટારર ‘પ્રેમ રતન ધન પાયો’ સહિત ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ટીવી રિયાલિટી શો બિગ બોસમાં સહભાગી પણ રહી ચૂક્યો છે.