મુંબઈઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’એ બે જ દિવસમાં 26.47 કરોડની કમાણી કરી લીધી છે. પહેલાં દિવસે આ ફિલ્મે 10.05 કરોડની કમાણી કરી હતી.
બીજા દિવસે કમાણીમાં 63 ટકાનો ઉછાળો
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરી હતી, ‘ડ્રીમ ગર્લ’ની કમાણીમાં બીજા દિવસે 63.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મેટ્રો, ટાયર 2 તથા ટાયર 3ના શહેરોમાં આ ફિલ્મ સારી ચાલી છે. ત્રીજા દિવસે બીજા દિવસ કરતાં પણ વધુ કમાણી થશે. શુક્રવારે 10.05 કરોડ, શનિવારે 16.42 કરોડની કમાણી અને કુલ કમાણી 26.47 કરોડ. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ 30 કરોડમાં બની છે. આ ફિલ્મ ત્રણ જ દિવસમાં બજેટ કરતાં વધુ કમાણી કરી લેશે.
‘સેક્શન 375’એ ચાર કરોડની કમાણી કરી
અક્ષય ખન્ના તથા રિચા ચઢ્ઢાની ફિલ્મ ‘સેક્શન 375’ની કમાણીમાં બીજા દિવસે 111.72 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. માઉથ પબ્લિસિટીને કારણે આ ફિલ્મે બીજા દિવસે 3.07 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે પહેલાં દિવસે 1.45 કરોડની કમાણી કરી હતી. બે દિવસમાં ફિલ્મે 4.52 કરોડ કમાયા છે.
‘છિછોરે’ 100 કરોડની નજીક
છ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી નિતેશ તિવારીની ‘છિછોરે’ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 83.59 કરોડની કમાણી કરી છે. સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર તથા વરુણ શર્માની આ ફિલ્મ કોલેજ લાઈફની વાત કરે છે. આ ફિલ્મમાં સોશિયલ મેસેજ છે. ચાહકોને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી છે.