મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ટૂંકા સમયમાં જ લાખો લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. સારા અલી ખાન સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને હવે તેણે તેની વર્ક એથિક અને એક્ટિંગ ટેલેન્ટથી ડિરેક્ટર અનાદ એલ રાયનું દિલ જીતી લીધું છે. તેણે તાજેતરમાં જ રિલિઝ થનારી ફિલ્મ ‘અતરંગી રે’ માં રાય માટે કામ પૂરું કર્યું છે. સારાની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ આ ફિલ્મમાં છે. આ વર્ષની શરૂઆતમાં અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ થતા સારાએ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટેની ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.
હવે સારા અલી ખાન વિશેના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આાનંદ એલ રાયે તેની આગામી એક ફિલ્મ માટે સારા અલી ખાનનો સંપર્ક કર્યો છે. ફિલ્મનું શીર્ષક ‘નખરેવાલી’ છે, જેમાં સારા મુખ્ય ભૂમિકા ભજવતી નજરે પડશે. આ ફિલ્મમાં વિકી કૌશલનો ભાઈ સની મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ સંકલ્યા કરશે, આાનંદ એલ રાય નહીં. આ પહેલા સની 2019 માં આવેલી ફિલ્મ ભાંગરા પા લેમાં દેખાઇ ચુક્યો છે. આ સિવાય સની ટૂંક સમયમાં ફિલ્મ શિદ્દત માં જોવા મળશે, જેમાં તેની સાથે રાધિકા મદન પણ હશે.
સનીની હુરદંગ નામની એક ફિલ્મ પણ છે. સનીની સાથે આ ફિલ્મમાં વિજય વર્મા અને નુસરત ભરૂચા પણ છે. બીજી તરફ સારા, વિકી કૌશલની સાથે ‘ધ અમર અશ્વત્થામા’માં પણ જોવા મળશે. વિકીએ તેની ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાંઠ પ્રસંગે અમર અશ્વત્થામાની ઘોષણા કરી હતી. અભિનેતા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.