મુંબઈ : જ્યારે ગોવિંદા અને કરિશ્મા કપૂરની સુપર હિટ ફિલ્મ “કુલી નં 1″ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી દરેકના મનમાં એક જ સવાલ હતો કે કરિશ્મા કપૂરના પિતાનો રોલ એટલે પીઢ અભિનેતા કાદર ખાનની આઇકોનિક ભૂમિકા કોણ ભજવશે. પરંતુ મેકર્સે હવે આ રાજ પરથી પડદો હટાવ્યો છે.
ફિલ્મના લીડ રોલમાં વરુણ ધવન અને સારા અલી ખાન પહેલીવાર સ્ક્રીન શેર કરશે. હવે ફિલ્મના બાકી મહત્વના રોલના નામ પણ સામે આવવાના શરુ થઇ ગયા છે. તાજેતરમાં વરુણ ધવને તેની સોશિયલ મીડિયા વોલ પર તેની આગામી કોમેડી ફિલ્મનું પોસ્ટર રિલીઝ દ્વારા ધૂમ મચાવી ચુક્યો છે. પરંતુ હવે કાદર ખાનના રોલનો ખુલાસો થયા બાદ લોકોની આ ફિલ્મને જોવાની ઈચ્છા ઘણી વધુ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, આ દમદાર રોલ માટે ડેવિડ ધવને પરેશ રાવલને પસંદ કર્યા છે. ફિલ્મમાં કાદર ખાનનું યાદગાર પાત્ર પરેશ રાવલ નિભાવશે. માહિતી મુજબ, ફિલ્મ નિર્માતાઓએ તાજેતરના ઇન્ટરવ્યુમાં આ અંગે જાહેરાત કરી છે. હવે આ સમાચારની સત્તાવાર ઘોષણા બાકી છે.
પરેશ રાવલ વિશે વાત કરીએ તો તેણે અનેક મજબૂત ફિલ્મો સાથે પ્રેક્ષકોનું હૃદય જીતી લીધું છે. અક્ષય કુમાર સુનીલ શેટ્ટીની સાથે ‘હેરાફારી’થી વિશેષ ઓળખ મેળવી છે. પરેશ રાવલ ગયા વર્ષે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘સંજુ’ માં જોવા મળ્યા હતા. છેલ્લી વાર પરેશ રાવલ વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક’ માં દેખાયા હતા.