મુંબઈ : સુપ્રીમ કોર્ટ તરફથી ટીવી અને ફિલ્મ નિર્માતા એકતા કપૂર માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ એએલટી બાલાજી પર પ્રસારિત વેબ સીરીઝ ‘એક્સએક્સએક્સ સીઝન 2’ ના એક એપિસોડમાં કથિત વાંધાજનક સામગ્રીના સંદર્ભમાં ઈન્દોરમાં નોંધાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ટીવી નિર્માતા એકતા કપૂરને ધરપકડથી વચગાળાની રાહત આપી છે.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના 11 નવેમ્બરના આદેશને પડકારતી એકતા કપૂરની અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચમાં ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યનનો પણ સમાવેશ થાય છે.
વચગાળાની ધરપકડ પર સ્ટે
ખંડપીઠે તેના આદેશમાં કહ્યું, “નોટિસ ઇશ્યૂ કરો. આ દરમિયાન, ધરપકડ પર વચગાળાના સ્ટે રહેશે.” એકતા કપૂરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ કેસમાં તેમના અસીલની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે. વેબ સીરીઝનો એક એપિસોડ માત્ર અશ્લીલતા ફેલાવતો જ નથી, પણ ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચાડતો હોવાનો આક્ષેપ કરતા ટીવી નિર્માતા સામે ફરિયાદ નોંધાયા બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે.
એકતા કપૂરે માફી માંગી
આ અગાઉ એકતાની આ વેબ સિરીઝમાં બિગ બોસ 13 ફેમ હિન્દુસ્તાની ભાઉએ ભારતીય સેના અને તેના ગણવેશનો અપમાન કરવા બદલ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો, પરંતુ તેના પર કોઈ વિશેષ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પૂર્વ સૈનિકોએ પણ એકતા સામે કેસ કર્યો હતો અને ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે ‘ટ્રિપલ એક્સ 2’ માં દેશના સૈનિકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એકતા કપૂરે ભારતીય સૈનિકોની માફી માંગી હતી અને વિવાદાસ્પદ દ્રશ્યોને વેબ સીરીઝથી દૂર કરી દીધા હતા.
‘XXX સીઝન 2’ નું ટ્રેલર અહીં જુઓ