મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘છપાક’માં વ્યસ્ત છે. દીપિકાની ફિલ્મ ‘છપાક’ આવતા વર્ષે રિલીઝ થશે. ‘છપાક’નું ટ્રેલર આ મહિને રિલીઝ થયું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ ફરી એકવાર ચર્ચામાં છે.
લક્ષ્મી અગ્રવાલ વિશે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા હતા કે, તેને (લક્ષ્મી અગ્રવાલ) ફિલ્મ બનાવવા માટે 13 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેના સમાચારથી લક્ષ્મી ખૂબ જ નારાજ થઈ ગઈ. લક્ષ્મીએ આ બધા સમાચાર પર તેની પ્રતિક્રિયા આપી છે. લક્ષ્મી અગ્રવાલે આ અહેવાલોને અફવા ગણાવી છે.
લક્ષ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સમાચારોના સ્ક્રીન શોટ શેર કર્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલને ‘છપાક’ માટે માત્ર 13 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.’ લક્ષ્મીએ સમાચાર શેર કરતાં લખ્યું, ‘આ એકદમ બનાવટી સમાચાર છે’.