મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ભલે સારી અભિનેત્રી હોય, પરંતુ તે સારી માતા નહોતી, તૈમૂરનું ડાયપર કેવી રીતે બદલવું તે પણ તે જાણતી નહોતી. કરીનાએ પોતાના પુસ્તક ‘પ્રેગ્નેન્સી બાઇબલ’ માં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાં કરીનાએ તેની પ્રથમ અને બીજી ગર્ભાવસ્થા અને તેમની સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે.
જ્યારે તૈમૂરને પહેલીવાર ખોળામાં લીધો હતો
કરીનાએ કહ્યું કે ‘મને યાદ છે જ્યારે મેં પ્રથમ વખત તૈમૂરને ખોળામાં લઇ છાતી સરસો ભીડ્યો હતો. જ્યારે એનેસ્થેસિયાની અસર થોડી ઓછી થઈ, ત્યારે તૈમૂરને છાતીએ લગાવતા એવું લાગ્યું કે આ બધું વાસ્તવિકતા છે. મેં મારા બાળકને મારા હાથમાં પકડ્યો, તેનામાં નવા જન્મેલા બાળકની સુગંધ આવી રહી હતી. મેં તૈમૂરના ઉછેર માટે મારા પોતાના નિયમો બનાવ્યાં અને બીજા પુત્ર જેહ માટે પણ તે જ કર્યું.
કરીના પરફેક્ટ માતા નહોતી
કરીનાએ કહ્યું કે પહેલા તો ‘હું એક પરફેક્ટ મમ્મી નહોતી. અહીં કેટલીકવાર ખુશી તો કેટલીક વાર મેશ-અપ લાગે છે. હું તૈમૂરનું ડાયપર પણ બદલી શકતી નહીં. ઘણી વાર તેનું ડાયપર લિક થઈ ગયું હોય કારણ કે તેની માતાને ડાયપર કેવી રીતે પહેરાવવું તે ખબર ન હતી. સલાહ આપતી વખતે કરીનાએ કહ્યું કે માતા બન્યા પછી વધારે કામ ન કરો, આરામથી કરી શકાય તેટલું કરો. જો માતા આરામદાયક લાગે, તો બાળક પણ તેને અનુભવે છે.
માતા બબીતાનો આભાર માન્યો
આ પુસ્તકમાં કરીનાએ તેની માતા બબીતા અને સ્ટાફનો આભાર પણ માન્યો છે. તેણે લખ્યું કે આ લોકો હંમેશાં મને ટેકો આપે છે જેથી હું એક સારી માતા બની શકું.
‘પ્રેગ્નેન્સી બાઇબલ’ અંગે કરિના કપૂરે ઇન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેમાં મારા સારા અને ખરાબ બંને તબક્કાઓનો ઉલ્લેખ છે. કેટલીકવાર હું કામ પર જવા માટે ઉત્સાહિત થતી અને ક્યારેક પલંગમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. જોકે, કરીનાના પુસ્તકની રજૂઆત પછીથી તે તેના નામને લઈને વિવાદોમાં રહે છે. અલ્પા ઓમેગા ફેડરેશન દ્વારા મુંબઈમાં ‘બાઇબલ’ નામ પર વાંધો ઉઠાવતાં ફરિયાદ નોંધાવી છે.