નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને દરેક રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. આ દરમિયાન આ વખતની ચૂંટણીમાં મથુરામાં રસપ્રદ મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. ભાજપે મથુરા લોકસભાની બેઠક પર બૉલીવુડ અભિનેત્રી હેમા માલિનીને ફરીથી મેદાનમાં ઉતારી છે. જેને લઈને એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, કોંગ્રેસ અહીં હેમા માલિનીને ટક્કર આપવા માટે ટીવી શો બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને સ્ટેજ ડાન્સર સપના ચૌધરીને ટીકિટ આપી શકે છે. ચર્ચા છે કે સપના ચૌધરી ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જોકે, આ અંગે કોંગ્રેસ અથવા સપના ચૌધરી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. મીડિયા રીપોર્ટ મુજબ, સપના ચૌધરીએ કોંગ્રેસ પાસે એ શરત મૂકી છે કે જો પાર્ટી તેને લોકસભા ચૂંટણીની ટિકિટ આપશે તો તે પાર્ટીમાં કોઈપણ સમયે જોડાવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરીના યૂપી અને બિહારમાં અદ્ભૂત પ્રશંસકો છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને મથુરા લોકસભા બેઠક માટે ભાજપે ફરી એકવાર લોકસભા બેઠકની ઉમેદવાર બનાવી છે. એવું માનવામાં આવે છે કે હેમા માલિની 25 માર્ચ, એટલે કે સોમવારે તેમની ઉમેદવારી નોંધાવી શકે છે.
સપના હરિયાણા તેમજ અન્ય રાજ્યોમાં ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને યુપી અને બિહારમાં, સપનાનો મોટો ચાહક વર્ગ છે. તેથી કૉંગ્રેસ હવે સપનાને ટિકિટ આપવાનું આયોજન કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મથુરા બેઠક માટે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 18 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જેના માટે હાલ ઉમેદવારીની પ્રક્રિયા ચાલી રહી છે. જેની અંતિમ તારીખ 26 માર્ચ છે. 27 માર્ચે ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે. નોંધનીય છે કે, ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હવે નજીકમાં હોવાથી કોંગ્રેસ આ બે દિવસમાં જ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. જેને લઈને હાલ સપના ચૌધરીના નામ અંગે ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ બોલીવુડની અભિનેત્રી અને રાજકારણમાં અનુભવી હેમા માલિની સામે આ નવા ચહેરાને (સપના ચૌધરી)ને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે કે પછી અન્ય કોઈ સ્થાનિક મુરતિયા પર કળશ ઢોળવામાં આવશે.