મુંબઈ : અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ (ઉશ્કેરણીભર્યા) સંદેશાઓ શેર કરવાના કેસ સાથે જોડાયેલી ફરિયાદ અંગે મંગળવારે મુંબઇની એક અદાલતે પોલીસને 5 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ કરવાની છેલ્લી તક આપી હતી.
ઓક્ટોબરમાં મેજિસ્ટ્રેટ કોર્ટે અંબોલી પોલીસને ખાનગી ફરિયાદની તપાસ કરવા અને 5 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો. પોલીસ આ સંદર્ભમાં રિપોર્ટ નોંધાવવામાં નિષ્ફળ ગઈ હતી, ત્યારબાદ તેને 5 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ પોલીસ ફરી એકવાર રિપોર્ટ દાખલ કરી શકી નથી.
આ કેસમાં ફરિયાદી અને વકીલ અલી કાસિફ ખાન દેશમુખે જણાવ્યું હતું કે કોર્ટે 5 ફેબ્રુઆરીએ આ કેસમાં રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તક પોલીસને આપી છે. ફરિયાદ અનુસાર, કંગના રણૌતની બહેન રંગોલી ચંદેલે એપ્રિલમાં એક સમુદાય વિરુદ્ધ ટ્વિટર પર વાંધાજનક સંદેશ શેર કર્યો હતો, જેના પગલે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
આ મુજબ બાદમાં કગંના રણૌતે તેની બહેનના સમર્થનમાં વીડિયો શેર કરીને એક સમુદાય પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.