મુંબઇ: 1990 માં રજૂ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય, કારગિલમાં ફિલ્મ’ એલએસી – લીવ ધ બેટલ’ના શૂટિંગ દરમિયાન બ્રેઇન સ્ટ્રોકનો શિકાર બન્યા અને હાલમાં તેઓ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, 54 વર્ષીય અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલા કારગિલમાં શૂટિંગ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક થયો હતો અને તેને શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, તેમને 28-29 નવેમ્બરના રોજ બપોરે 1.25 વાગ્યે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે વધુ માહિતી માટે રાહુલ રોયના જીજા રોમિર સેનનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું, “હા, રાહુલ મુંબઇની નાણાવટીમાં હોસ્પિટલમાં દાખલ છે. કોવિડના વાતાવરણને ધ્યાનમાં રાખીને, તેમને સાવચેતી તરીકે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. રાહુલ રોયનો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે. તેમની તબિયત અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. “રાહુલ રોયની બહેન પ્રિયંકા રોયે પણ તેના ભાઈની તબિયત સુધાર થયો હોવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાવટી હોસ્પિટલે અભિનેતાના સ્વાસ્થ્ય અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
નોંધનીય છે કે, રાહુલ રોયે મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’ સાથે પદાર્પણ કર્યા બાદ ‘સપને સાજન કે’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’, ‘જનમ’, ‘પ્યાર કા સાયા’, ‘જુનૂન’, ‘પહલા નશા’, ‘ગુમરાહ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ ‘આશિકી’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવ્યા છતાં તે બોલિવૂડમાં ખાસ જગ્યા બનાવી શક્યો નહીં. રાહુલ રોયે 2006 માં ટેલીકાસ્ટ ‘બિગ બોસ’માં ભાગ લીધો હતો અને તે આ શોનો પ્રથમ વિજેતા સાબિત થયો હતો.