મુંબઈ : ટી-સીરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. ભૂષણ કુમાર વિરુદ્ધ આ બળાત્કારનો કેસ મુંબઇની ડી.એન.નગર પોલીસે નોંધ્યો છે. આરોપ છે કે ભૂષણ કુમારે 30 વર્ષીય યુવતીને ટી-સિરીઝના પ્રોજેક્ટમાં કામ કરવાની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભૂષણ કુમારે તેનો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અમે તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભૂષણ કુમાર પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. આ પહેલા મીટૂ કેમપેઇન દ્વારા મોડેલ મરિના કુંવરે ભૂષણ કુમાર પર શારીરિક ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો.
મુંબઇ પોલીસ સૂત્રોએ પુષ્ટિ આપી કે ભૂષણ કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 376 હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલે માહિતી આપતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ કેસ મુંબઇના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે, હજુ સુધી આ કેસમાં ધરપકડ થઈ નથી.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિતા 30 વર્ષની મહિલા છે. મુંબઈ પોલીસે હવે પૂછપરછ કરી ભૂષણ કુમારના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે,
ભૂષણ કુમાર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ માટે જાણીતો છે. 1997 માં જ્યારે તેના પિતા ગુલશન કુમારની હત્યા કરવામાં આવી ત્યારે તેણે મ્યુઝિક કંપની ટી-સિરીઝનો હવાલો સંભાળી લીધો હતો. ત્યારે તે 19 વર્ષનો હતો. 2001 ના રોમાંસ નાટક ‘તુમ બિન’થી તેણે ફિલ્મ નિર્માણમાં સાહસ કર્યું. ભૂષણે એક પછી એક ‘ભૂલ ભુલૈયા’, અને ‘આશિકી 2’ જેવી હિટ ફિલ્મ આપી છે. ભૂષણ કુમારે 13 ફેબ્રુઆરી 2005 ના રોજ અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર સાથે લગ્ન કર્યા.