બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન એક પછી એક સફળતાની પાયરીઓ ચડતા જાય છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018માં શાહરૂખ ખાન જઇ પહોંચ્યા છે અને અહીં તેમને ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ મળ્યા બાદ શાહરૂખે આભાર વ્યક્ત કરતાં ત્યાં હાજર લોકોનું સંબોધન કર્યું હતું અને અંતે નમસ્કાર, જય હિંદ બોલી વાત પૂર્ણ કરી હતી.
શાહરૂખ ખાનને ભારતમાં બાળકો અને મહિલાઓના હક માટેના કેમ્પનની લીડરશિપ માટે આ 24 ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં શાહરૂખે કહ્યું કે, આ માટે ઊંડાણપૂર્વક આભારી છું. બે એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વો કેટ બ્લેન્શેટ અને સર એલ્ટોન જ્હોનની કંપનીમાં રહેવું સાચે જ આહલાદક છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન સિંગર એલ્ટન જ્હોન અને એક્ટર કેટ બ્લેન્શેટ વચ્ચે બેઠેલ જોવા મળ્યા હતા.
શાહરૂખે પોતાના સંબોધનમાં તેના સોશ્યલ ઇનિશિએટિવ વિશે પણ વાત કરી હતી, જેનું નામ તેમણે પોતાના પિતાના નામે રાખ્યું છે. તેણે આ માટેનું કારણ પણ જણાવ્યું હતું. આ સાથે જ તેણે પોતાના માતા, પત્ની અને પુત્રીને પ્રેરણા આપવા બદલ આભાર માન્યો હતો.