મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં મધ્ય પ્રદેશમાં પોતાની નવી ફિલ્મ ‘શેરની’નું શૂટિંગ કરી રહી છે. તે અહીંના જંગલોમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફિલ્મના દ્રશ્યોનું શૂટિંગ કરી રહી છે. પરંતુ અચાનક તેનું શૂટિંગ બંધ થઈ ગયું છે. શૂટિંગ રોકવાનું કારણ મધ્યપ્રદેશના વનમંત્રી વિજય શાહને ગણાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય શાહે વિદ્યા બાલનને તેની સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું, જેને તેણે સ્વીકારવાની ના પાડી.
આ પછી ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. રિપોર્ટ અનુસાર, ફિલ્મની પ્રોડક્શન ટીમની કારને શૂટિંગ માટે જંગલમાં જવાનું કથિતરૂપે અટકાવવામાં આવી હતી. બાલાઘાટના જિલ્લા વન અધિકારીએ નિર્માણ ટીમના વાહનોને જંગલમાં જતા અટકાવતાં કહ્યું કે, માત્ર બે ગાડીને જવાની મંજૂરી આપવામાં આવી છે.
વિજય શાહે લંચ-ડિનર માટેની અપીલ ફગાવી
જોકે, રાજ્યના વન મંત્રી વિજય શાહે આ આરોપોને નકારી કાઢયા છે અને કહ્યું છે કે તેમણે પોતે જ તેમના લંચ-ડિનરના આમંત્રણને નકારી દીધા છે. વિજય શાહે કહ્યું, “જે લોકોએ શૂટિંગ માટે પરવાનગી માંગી હતી, તે લોકો માટે હું બાલાઘાટ ખાતે હાજર હતો અને તેઓએ મને લંચ-ડિનર માટે અપીલ કરી હતી. મેં તેમને કહ્યું હતું કે હાલ તે શક્ય નથી.”
પ્રથમ વિજય રાજને કારણે શૂટિંગ અટકી ગયું હતું
વિજય શાહે કહ્યું, “જ્યારે હું મહારાષ્ટ્ર જઈશ ત્યારે હું તેમને મળીશ. લંચ-ડિનરને ના પાડી હતી, પરંતુ શૂટિંગને નહીં.” આ પહેલા ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું જ્યારે અભિનેતા વિજય રાજ પર શૂટિંગ દરમિયાન સેટ પર એક મહિલાનું શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલાએ તેની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી અને હવે તે જામીન પર બહાર છે. કેમ કે વિજય મુંબઇમાં છે અને શૂટિંગ માટે ગયો ન હતો.