અત્યારે દરેક જગ્યાએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ચર્ચા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવે છે. હાલમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મની એક તરફ જ્યાં બોક્સ ઓફિસ કલેક્શનનો ધમધમાટ શરૂ થયો છે.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી. તાજેતરમાં નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, નિર્માતા અભિષેક અગ્રવાલ અને અભિનેત્રી પલ્લવી જોશી પીએમ મોદીને મળ્યા હતા. મોદીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ તેમજ ફિલ્મની ટીમની પ્રશંસા કરી હતી.
પીએમ મોદી સાથે મેકર્સની મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી છે. સાથે લખ્યું છે કે, ‘આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને ખૂબ આનંદ થયો. આ બેઠકને વધુ ખાસ બનાવે છે તે તેમના શબ્દો છે, જે તેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે બોલ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ કરવા બદલ અમને ગર્વ છે. આભાર મોદીજી.
તે જ સમયે, વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો અને અભિષેકની પ્રશંસા કરી.’ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતોની વાર્તા દર્શાવે છે જ્યારે તેઓને 90ના દાયકામાં તેમના જ રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ વિષય પર ફિલ્મ બનાવવાની હિંમત દર્શાવવા માટે નિર્માતાઓની પ્રશંસા કરી. કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પુનીત ઇસાર, મૃણાલ કુલકર્ણી અને મિથુન ચક્રવર્તી જેવા અન્ય કલાકારો છે.
બોક્સ ઓફિસ પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણી વિશે વાત કરીએ તો 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 3.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ માત્ર 700 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે પંજાબ, હરિયાણા અને દિલ્હી NCRમાં પ્રભાસની ‘રાધે શ્યામ’ને માત આપી છે.