પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઓફિસમાં એક મહિલા ટિકટોક સ્ટારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લીધે ફરી એકવાર પાકિસ્તાનને નીચાજોણું થયું છે. ટિકટોક સ્ટારનું નામ હરીમ શાહ છે. હરીમે વિદેશ મંત્રાલયની ઓફિસમાં ઘૂસીને આ વીડિયો બનાવ્યો છે. હરીમના સોશિયલ મીડિયા એપ ટિકટોક પર લાખો ફેન્સ છે. જો કે પહેલા કહેવામાં આવ્યું હતું કે તે પીએમ સેક્રેટેરિએટમાં હતી પરંતુ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વીડિયો વિદેશ મંત્રાલયની ઓફિસનો છે. આ વીડિયો થકી પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાયું છે કારણ કે સામાન્ય રીતે આ ઓફિસમાં હાઇ સેક્યુરિટી હોય છે. વીડિયોમાં તે એક ખુરશી પર બેસતી જોવા મળે જે તે વિદેશ મંત્રીની છે. વીડિયોમાં પંજાબી અને હિન્દી ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં હવે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે ટિકટોક સ્ટારે સ્પષ્ટતા આપતાં કહ્યું કે મેં પરવાનગી સાથે ઓફિસની મુલાકાત લીધી હતી. જો આ નિયમ વિરુદ્ધ હતું તો તેઓ મને મનાઇ ફરમાવી શકતા હતા.
Tuesday, May 14