મુંબઈ : ફેશનની દુનિયા તદ્દન અલગ છે. અહીં સૌથી મહત્વપૂર્ણ છે, “કંઇક અલગ અથવા કઈંક નવું”. બ્રાન્ડની ઓળખ પણ તેનાથી જ થાય છે. બ્રાન્ડ ટૅગને કારણે, સામાન્ય દેખાતી વસ્તુઓ માટે અસાધારણ કિંમત પણ હોય છે. આવા કિસ્સામાં, મુંબઇથી એક ઓપ્ટોમેટ્રીસ્ટએ એક પગથિયું આગળ વધારતા “પહેલાં ક્યારેય જોયું ન હોય” તેવું કામ કરી બતાવ્યું છે. તેમણે આંખોની સુંદરતા વધારવા માટે ગોલ્ડ પ્લેટેડ કોન્ટેક્ટ લેન્સની શોધ કરી છે. તેને લઈને ફેશનેબલ લોકોમાં જબરદસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે.
ભારતમાં સોનાની ઘણી માંગ છે. કોઈપણ સારું કામ જ્વેલરી વિના પૂર્ણ થતું નથી. ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું સોનાનું ગ્રાહક છે. સોના તરફ ભારતીયોની રુચિ એટલી બધી છે કે ઘણા લોકો સોનાના જ્વેલરી ઉપરાંત સોનાની વિવિધ યુનિક વસ્તુઓ પણ બનાવતા હોય છે. સોનાની જવેલરીમાં હાર, બુટ્ટી, કંદોરો, પોન્ચા, વીંટી, બંગડી, લકી, ચેઇન, મંગળસૂત્ર વગેરે તમે સાંભળ્યું અને જોયું હશે. આ ઉપરાંત માથામાં નાખવામાં આવતી પિન, બાજુબંધ, સોનાનો દાંત, સોનાનો નખ સહીત કપાળમાં લગાવામાં આવતો ચાંદલો પણ સોનાનો હોય છે. અને હવે ટૂંક સમયમાં તમને સોના તેમજ ડાયમંડ (હીરા)ના લેન્સ પહેરેલા વ્યક્તિ જોવા મળશે. કેટલાક શ્રીમંત લોકોના કપડા પર પણ સોનુ તેમજ ડાયમંડ વર્ક કરેલું હોય છે. આ લોકો માટે સોના તેમજ ડાયમંડના કોન્ટેક્ટ લેન્સ એ કોઈ સારા સમાચારની બાબત કરતા ઓછું નથી, હવે તેઓ પોતાની આંખોને પણ સોના અને ડાયમંડથી સજાવી શકશે.
મુંબઈના એક ઓપ્ટોમેટ્રીસ્ટે સોનાના ઢોળવાળા કોન્ટેક્ટ લેન્સ બનાવ્યાં છે. આ લેન્સમાં ખૂબ ઓછા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેન્સની આસપાસ ગોલ્ડ પેસ્ટ મૂકવામાં આવી છે, તે સોનેરી ચળકાટ આપે છે. જો કે, આ માટે તમારે ભારે રકમ ચૂકવવી પડશે. આ કોન્ટેક્ટ લેન્સ માટે તમારે 11 હજાર ડોલર (આશરે 8 લાખ) રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
વિશ્વમાં પહેલીવાર ભારતમાં ઉપયોગમાં લેવાયા આ લેન્સ
આ અંગે ડોક્ટર ચંદ્રશેખર છવનએ જણાવ્યું હતું કે, સોનાથી કોટેડ કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ દુનિયામાં ક્યાંય પણ થતો નથી. તેમની પાસે આ કોન્સેપ્ટ માટે પેટન્ટ છે. તેમની શોધ અંગે, તેમણે કહ્યું કે દરેક ભારતીય સોનાને ખૂબ પ્રેમ કરે છે. આપણે બધા સામાજિક અને શુભ કાર્યોમાં જ્વેલરીનો ઉપયોગ કરીએ છીએ. સોનું શુભ માનવામાં આવે છે. તે લોકો માટે, મેં આંખોમાં જ સોનાની ચમક નાખવાનું કામ કર્યું છે.
ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝ લેન્સ પણ ઉપલબ્ધ
તેમણે કહ્યું કે સોના ઉપરાંત ચાંદી અને હીરાનો પણ આ લેન્સમાં ઉપયોગ કરી શકાય છે. તે ગ્રાહક પર છે કે તેઓ ક્યાં લેન્સ પહેરવા માંગે છે. તેઓ તેને પોતાની રીતે બદલી શકે છે. મુંબઇના એક મોડેલ મૃણાલ ગાયકવાડે જણાવ્યું હતું કે, મેં છેલ્લા ચાર વર્ષથી ગોલ્ડ કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કર્યો છે, પરંતુ અત્યાર સુધીમાં મને કોઈ પ્રકારની સમસ્યા થઇ નથી. ઘણા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, જેમણે પણ અત્યાર સુધી કોઈ ફરિયાદ કરી નથી.