શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત, મકોડા, વંદા નીકળવાનો સિલસિલો હજી યથાવત રહ્યો છે. રાજ્યમાં આટલી ઘટનાઓ બન્યા પછી પણ કોઇ સુધારવાનું નામ લઇ રહ્યું નથી. આરોગ્ય વિભાગને પણ જાણે શહેરીજનોની કંઇ પડી નથી, તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ એક ડોમિનોઝ પિત્ઝામાંથી મકોડો નીકળવાની ધટના સામે આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘાટલોડિયા વિસ્તારના કલાસાગર મોલના ડોમિનોઝ પિત્ઝા આઉટલેટ ઉપરથી યુવાનોએ શુક્રવારે પિત્ઝા ઓર્ડર કર્યો હતો, પણ પિત્ઝાનું બોક્સ ખોલીને જોયું તો પિત્ઝામાં મકોડો હતો. જેથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પછી આ વીડિયો વાઇરલ થઇ જતા મ્યુનિ.એ ડોમિનોઝ પિત્ઝાના આઉટલેટને સીલ કરી દીધું હતુ.
બીજી તરફ શુક્રવારે અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ ત્રણ ટીમો બનાવી શહેરના 34 રેસ્ટોરેન્ટમાં દરોડા પાડી ચકાસણી કરી હતી. જેમાં હાઇજીનિક કન્ડિશન ઊભી કરવા માટે 27 એકમોને નોટિસ ફટકારી હતી. 47 હજારનો દંડ કર્યો હતો. 87 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. મ્યુનિ.એ ત્રણ નમૂના લીધા હતા જ્યારે ધ્રુમપાન કરવા બદલ 6 શખ્સોને નોટિસ પાઠવી રૂ.1400નો દંડ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ સતત બીજા દિવસે શુક્રવારે પણ શહેરના રેસ્ટોરેન્ટ, હોટેલ અને કાફેમાં દરોડા પાડી રસોડાની હાઇજીનીક કન્ડીશન તથા કારીગરોની વ્યક્તિગત સફાઇની તપાસ કરી હતી તો 27 જેટલી રેસ્ટોરેન્ટમાં હાઇજેનિક કન્ડીશન ન હતી. જેથી 27 રેસ્ટોરેન્ટને હાઇજીનિક સુધારા કરવા માટે નોટિસ ફટકારી હતી, સાથે કેટલીય રેસ્ટોરેન્ટને દંડ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.એ નવરંગપુરા રિ-બેલ (ફાસોસ) ફુડ્સને 5 હજાર, વસ્ત્રાપુર જય ભવાની વડાપાઉંને 1500, વસ્ત્રાપુર કર્ણાવતી દાબેલીને 2 હજાર, સોલાના ફાસોસ ફુડ સર્વિસ પ્રા.લિ.ને 5 હજાર, એસજી હાઇવેના શંભુ કોફી બારને 1 હજાર, વસ્ત્રાપુરના ધ બીગ એફ રેસ્ટોરેન્ટને 5 હજાર, મણિનગરના મિ. પફ રેસ્ટોરેન્ટને 3 હજાર, માધવથાળ રેસ્ટોરેન્ટને 1 હજાર, ડેન્ગી ડમ્સને 1 હજાર, પ્રાચી ફૂડ્સને 5 હજાર, શાહીબાગ સીટી સ્વાદ રેસ્ટોરેન્ટને 3 હજાર, સૌરાષ્ટ્ર ગાંઠિયા રથને 5 હજાર, રાજસ્થાન ભોજનાલયને 2 હજાર અને વિજયસિંહ પઢિયારને 1500નો દંડ કરાયો હતો.
મ્યુનિ.એ પાલડીના વિરાજ એન્ટરપ્રાઇઝમાંથી ચપટા પફ, વસ્ત્રાપુરના ધ બીગ એફ રેસ્ટોરેન્ટમાંથી ફીંગર ચીપ્સ અને શાહીબાગના ટિના ફાસ્ટફૂડમાંથી ફ્રુટ સ્કોશ (ડિલાઇટ)નો નમૂનો લીધો હતો.
શહેરના 27 એકમોને નોટિસ ફટકારી
૧. બંટી ફાસ્ટફૂડ, આંબાવાડી
૨. કાન્હાઇ ફૂડ પ્રોડક્ટ, નહેરૂનગર
૩. ગિરિરાજ ફુડ, નહેરુનગર
૪. મારૂતિનંદન કાઠિયાવાડી, પાલડી
૫. અમન પિત્ઝા એન્ડ સેન્ડવીચ, પાલડી
૬. જય ભવાની વડાપાઉં, પાલડી
૭. શ્રીરંગ રેસ્ટોરેન્ટ, પાલડી
૮. હેવમોર ઇટરી, પાલડી
૯. શ્રીનાથ ફૂડ (સબ-વે), પાલડી
૧૦. વિરાજ એન્ટરપ્રાઇઝ, પાલડી
૧૧. ન્યૂ ઓનેસ્ટ કોર્નર, નવરંગપુરા
૧૨. હોકકો ઇટરી, નવરંગપુરા
૧૩. રીબેલ ફૂડસ (ફાસોસ), નવરંગપુરા
૧૪.જય ભવાની વડાપાઉં, વસ્ત્રાપુર
૧૫. કર્ણાવતી દાબેલી, વસ્ત્રાપુર
૧૬.એચઆરપીએલ રેસ્ટોરેન્ટ, વસ્ત્રાપુર
૧૭. ફાસોસ ફૂડ સર્વિસ લિ., સોલા
૧૮.શંભુ કોફીબાર, એસજી હાઇવે
૧૯. ધ બીગ એફ, વસ્ત્રાપુર
૨૦. વુડી જોન્સ પિત્ઝા, મણિનગર
૨૧. મિ. પફ, મણિનગર
૨૨. માધવથાળ, મણિનગર
૨૩. ડેન્ગી ડમ્સ, મણિનગર
૨૪. પ્રાચી ફૂડ્સ, મણિનગર
૨૫. સૌરાષ્ટ્ર ગાંઠિયા, શાહીબાગ
૨૬. રાજસ્થાન ભોજનાલય, શાહીબાગ
૨૭. વિજયસિંહ પઢિયાર, શાહીબાગ