ન્યુ યોર્ક: અમેરિકામાં વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસના કારણે કફોડી સ્થિતિમાં મુકાયેલા પરિવારો ફૂડ બેંક (ભોજન બેંકો) તરફ ઉમટી રહ્યા છે અને દાન માટે લાંબી કતારવાળી કારમાં કલાકો સુધી રાહ જોઈને બેસે છે. લોકડાઉનને લીધે એક પછી એક બિઝનેસ રાતોરાત બંધ થઇ ગયા. 22 મિલિયન લોકો બેરોજગાર થઈ ગયા છે અને ખાવા પીવા માટે દાતાઓ પર નિર્ભર થઈ ગયા છે.
પેન્સિલવેનિયામાં ગ્રેટર પિટ્સબર્ગ કમ્યુનિટિ ફૂડ બેંકમાં એક વિતરણ કેન્દ્રમાં આશરે 1000 કારો ઉભેલી જોવા મળી હતી. માર્ચમાં તેના ફૂડ પેકેટોની માંગમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. સંસ્થાના ઉપપ્રમુખ બ્રાયન ગુલિશે કહ્યું, “ઘણા લોકો પ્રથમ વખત અમારી સેવાનો ઉપયોગ કરી રહ્યા છે, તે પહેલાં ફૂડ બેંકમાં ક્યારેય નહોતા આવ્યા. તેથી તેઓ જાણતા નથી કે દક્ષિણપશ્ચિમ પેન્સિલવેનિયામાં 350 વિતરણ કેન્દ્રો છે.”
તેમણે કહ્યું, “આ કતારો લાંબી છે કારણ કે તેઓ જાણતા નથી કે અમારું નેટવર્ક આટલું મોટું છે.” ન્યૂ ઓર્લિયન્સથી માંડીને ડેટ્રોઇટ સુધી, લોકો આખા અમેરિકામાં ફૂડ બેંકોમાં ધસી રહ્યા છે. બોસ્ટનના ઉપનગરીય ચેલ્સિયામાં ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં ઇલાના નામની મહિલાએ કહ્યું કે, અમે કામ પર ગયાને મહિનાઓ થયા છે. મને ગઈકાલે 15 દિવસના નવજાત સાથે એક સ્ત્રી મળી. તેનો પતિ કામ કરતો નથી, તેને વધુ બે બાળકો છે. તેના ઘરે કોઈ ખાદ્ય ચીજવસ્તુ નથી. “બધે જ ફૂડ બેંકના અધિકારીઓ કહે છે કે રોગચાળાના આ સમયગાળા દરમિયાન, તેમના ખોરાકની માંગમાં ખુબ મોટો ઉછાળો આવ્યો છે.