વર્તમાન ટેલિકોમ કંપનીઓનો એક વર્ગ ડેટા અને વોઈસ કોલ માટે લઘુતમ કિંમત નિર્ધારિત કરવાની માંગણી કરી રહ્યો છે. જો તેમની આ માંગણી માન્ય રાખીને અમલ કરવામાં આવશે તો બજારમાં વિના મૂલ્યે આપવામાં આવતી મોબાઈલ ડેટાની સેવા બંધ થઈ જશે.
પીસીઓની જેમ વાઈફાઈ માટે હવે પીડીઓ ખોલવામાં આવશે. જેમાં ૨૦ રૃપિયા સુધીમાં ઈન્ટરનેટ સેવા મળશે. આ ઉપરાંત અત્યાર સુધી ઓપરેટરને રેટ નક્કી કરવાની આઝાદી છે અને તેમને કોઈ પ્લાનની જાણકારી ટ્રાઇને તે જારી કરતાં સાત દિવસ પહેલાં આપવાની હોય છે, પરંતુ હવે જો લઘુતમ કિંમત નક્કી થશે તો આ વ્યવસ્થામાં ફેરફાર થશે અને મોબાઈલના ગ્રાહકોને નુકસાન જશે, કારણ કે ત્યાર બાદ ટેલિફોન ઓપરેટર દ્વારા જે ફ્રી મોબાઈલ ડેટાની લહાણી કરવામાં આવે છે તે બંધ થઈ જશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાઇ તમામ ટેલિકોમ ઓપરેટરને રેટના લઘુતમ ચાર્જ અને કિંમત અંગે અભિપ્રાય પૂછશે અને સાથે જ ઓપરેટરને આ પ્રકારના દર નક્કી કરવા પાછળનું તેમનું ગણિત શું છે તે અંગે પણ પૂછશે અને ત્યાર બાદ તેમની આ માગણી પર યોગ્ય નિર્ણય લેશે.