ગાંધીનગરને વાઈબ્રન્ટ સમિટ પહેલાં જ વાઈફાઈ સિટી બનાવવાની કવાયત હાથ ધરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા
મુજબ જીયુડીસી પાસેથી આ જવાબદારી ગાંધીનગર મહાનગરપાલિકાને સુપરત કરાતા આ કામ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે. પાટનગરને રાજ્યનું પ્રથમ વાઈફાઈ સિટી બનાવવા માટે ભૂતકાળમાં ગાંધીનગરની પસંદગી કરી તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કરાયેલી આ જાહેરાત માત્ર ચૂંટણીલક્ષી સાબિત થઈ આ દિશામાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. આ સુવિધા મનપાના ખર્ચે ઉભી કરવાની જવાબદારી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવી હતી. પરંતુ વિવિધ સ્થળોએ વાઈફાઈ માટેના ડીવાઈસ લગાડ્યા બાદ કોઈ પ્રક્રિયા આગળ વધી ન હતી. હવે વાઈબ્રન્ટ સમિટ આવતાં જ આ કામની જવાબદારી જીયુડીસી પાસેથી મનપાને સોંપી દેવાતાં મનપા તંત્રએ કવાયત હાથ ધરી બાકીના સ્થળોએ ડીવાઈસ લગાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. સમિટમાં આવનાર મોંઘેરા મહેમાનો માટે વાઈફાઈની સુવિધા અનિવાર્ય હોવાનું જણાવતા તંત્રએ અગાઉ નગરજનોને વાઈફાઈ આપવાના વચનનો અમલ કર્યો ન હોઈ આ બાબત ઘણી ચર્ચાસ્પદ બની રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય ૧૪ માર્ગ અને જાહેર સ્થળો ઉપરાંત સેકટરોના આંતરીક વિસ્તારોમાં મળીને ૭૫૫ જેટલા એક્સેસ પોઈન્ટ ઊભા કરી દેવાયા છે. જેમાં હજી વધારો કરવામાં આવી રહ્યો છે. તમામ ૩૦ સેકટરોને વાઈફાઈની આ સુવિધા મળી રહેશે.