ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને એક તરફ પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. મનપા વિસ્તારમાં 11 વોર્ડમાં કુલ 284 મતદાન મથકો પર આવતીકાલે એટલે કે રવિવારે મતદાન યોજાશે. ત્યારે મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.
શુક્રવારે ચૂંટણીની કામગીરીમાં મુકાયેલા અધિકારી-કર્મચારીઓને ઈવીએમની સોંપણી કરીને સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે. તંત્ર દ્વારા ચૂંટણીને લઈને સંબંધિત 1500થી વધુ કર્મચારી-અધિકારીઓને જરૂરી ટ્રેનિંગ આપી દેવાઈ છે.
બીજી તફ મનપા વિસ્તારમાં નાગરિકોને પણ ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મત કેવી રીતે આપવો સહિતની પ્રક્રિયા સમજાવી દેવાઈ છે. તંત્ર દ્વારા નાગરિકોને મતદાન પ્રક્રિયાની સમજણ સાથે મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
મનપા વિસ્તારમાં કુલ 284 મતદાન મથકો ઉભા કરાયા છે, જેમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથકોનો સમાવેશ થાય છે. વોર્ડ વાઈઝ મતદાન મથકોની વાત કરીએ તો વોર્ડ નં-1માં 19, વોર્ડ નં-2માં 23, વોર્ડ નં-3માં 21, વોર્ડ નં-4માં 27, વોર્ડ નં-5માં 23, વોર્ડ નં-6માં 24, વોર્ડ નં-7માં 24, વોર્ડ નં-8માં 30, વોર્ડ નં-9, 10 અને 11માં 31-31 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.