ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલ માં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 bjp, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે. સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સેકટર – 2 પ્રાથમિક શાળામાં સવારથી મતદારો ગોથે ચડયા છે. કેમકે બુથ નો નંબર અલગ અને વર્ગ ખંડની બહાર અલગ નંબર હોવાના કારણે અસમંજસ સર્જાઈ છે. જેનાં પગલે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્ય પણ આવી પહોંચ્યા હતા. પોલીંગ બુથ એજન્ટ પણ ગોથે ચડયા હતા.
સરકારી નગરી તરીકે જાણીતું ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ રવિવારની રજા હોવાથી વહેલી સવારે આરામ કરવાના મૂડમાં હોય છે. જેથી અત્યારે સવારે સાત વાગે મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી જોવા મળી રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મતદાન કેન્દ્રો પર મતદારો ની સંખ્યા વધતી જશે. મતદાન કેન્દ્રો પર મેડીકલ ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.
કોરોનાની વૈશ્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 284 બૂથ પર 281897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર ધ્વારા ગઈકાલથી જ ઈવીએમ સહિતની સામગ્રી બૂથ પર રવાના કરાઈ હતી અને હાલ દરેક બૂથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.
ચૂંટણી તંત્ર દ્વારા 284 બૂથ પૈકી 144ને સંવેદનશીલ અને ચારને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ બૂથ પર કુલ 1,45,130 પુરુષ મતદાર અને 1,36,758 મહિલા મતદાર નોંધાયેલા છે, જ્યારે 9 અન્ય છે. મતદાન મથક માટે 461 બેલેટ યુનિટ અને 317 કાઉન્ટિંગ યુનિટ તૈયાર કરીને મતદાન મથકો પર મોકલી દેવાયા છે. આ કામગીરી માટે 11 વોર્ડમાં પાંચ ચૂંટણી અધિકારી અને 1775 કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ ઉપરાંત મતદાન મથકોએ 1270 પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે. સે-15ની સરકારી સાયન્સ કોલેજ, સે-15 આઈટીઆઈ, સે-15 સરકારી કોમર્સ કોલેજ, સે-15 સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સે-15ની સરકારી આર્ટ્સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-15 સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ 53 ટેબલ પર હાથ ધરાશે.
ચૂંટણી તંત્ર દ્વારા 284 મતદાન મથકો પૈકી 144 મતદાન મથકને સંવેદનશીલ અને 4ને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચારેય અતિ સંવેદનશીલ મતદાન મથક વોર્ડ-4માં આવે છે. વોર્ડ-4માં સે-20,29, પાલજ, બાસણ, બોરીજ, ઈન્દ્રોડા અને ધોળાકુવાનો સમાવેશ થાય છે. વોર્ડ-9માં સૌથી વધુ મતદાર મતદાર યાદી મુજબ સૌથી વધુ મતદાર વોર્ડ-9માં 233106 અને સૌથી ઓછા મતદાર વોર્ડ-1માં 18825 નોંધાયેલા છે.
મનપા ચૂંટણી માટે કુલ 162 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં સૌથી વધુ 20 ફોર્મ વોર્ડ-1 (રાંધેજા, સે-25, 26)માં ભરાયા છે. આ વિસ્તારમાં ત્રણ મુખ્ય પક્ષના 12 ઉમેદવારો ઉપરાંત 8 અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. આ વોર્ડમાં હાર-જીતનો મદાર અપક્ષ ઉમેદવારો પર હોવાનું મનાય છે.
બીજી તરફ કોર્પોરેશનની ચૂંટણીની સાથે તાલુકા પંચાયતની મોટી આદરજ માટે પણ આજે મતદાન પ્રક્રિયા છે. આ ચુંટણીમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે. જેમાં સાડા આઠ હજાર મતદારો બે ઉમેદવારોનાં ભાવિ નક્કી કરશે. ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠકના સદસ્ય જિલ્લા પંચાયતમાં ચુંટાઇ આવતાં આ બેઠક ખાલી પડી હતી. જેની પણ પેટાચુંટણી સાથે સાથે યોજાઇ રહી છે. આ આદરજ મોટી બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા છે. જ્યારે માણસા નગરપાલિકા વોર્ડ નં.4ની પેટાચુંટણી પણ યોજાઇ રહી છે.