સૌરાષ્ટ્ર-કચ્છમાં આશ્ર્ચર્યજનક રીતે ઠંડી વધવાના બદલે ઘટી ગઈ છે. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાન એકાએક વધ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે બાકી દિવસભર શિયાળાનો અહેસાસ થતો નથી. બપોરના સમયે તો ઉનાળા જેવો તડકો તપી રહ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઠંડી જૂનાગઢના ગીરનાર પર્વતની ભવનાથ તળેટીમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે અન્યત્ર તાપમાન 10થી 17 ડિગ્રી સુધી રહ્યું છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ વધીને 71 ટકા થયું છે અને પવનની ઝડપમાં પણ ઘટાડો થયો છે. જ્યારે ગીરનાર પર્વતની ભવનાથ તળેટીનું લઘુતમ તાપમાન ઘટીને 9 ડિગ્રી થઈ ગયાનું જાણવા મળે છે.
નલીયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં કાયમ સૌથી વધુ ઠંડા રહેતા નલીયાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું છે. પવનની ગતિ શૂન્ય રહી છે અને ભેજનું પ્રમાણ વધીને 74 ટકા થયું છે.
રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છના પાટનગરસમા રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 17.3 ડિગ્રી મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી રહ્યું છે. ભેજનું પ્રમાણ 44 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી છે.