ડાંગ : દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કમાં ૫૦ વર્ષ બાદ દુર્લભ ગણાતા ઢોલ પ્રજાતિના બે એશિયાટિક વાઈલ્ડ ડોગ દેખાતા પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
દક્ષિણ ગુજરાતના અંબિકાનદીના સહ્યાદ્રિની તળેટીમાં આવેલ વાંસદા નેશનલ પાર્ક ૨૪ હેકટરના ઘાઢ જંગલમાં ફેલાયો છે. અહીં વિવિધ જૈવિક વનસ્પતિઓ, સરીસૃપ જીવજંતુ,વન્ય પ્રાણીઓનો ખજાનો જોવા મળે છે.નેશનલ પાર્કમાં સ્થાનિક બર્ડ વોચર મિતુલ દેસાઈ અને મોહમદ જાટ દ્વારા જંગલમાં વિહરતા બે દુર્લભ જાતીના એશિયાટિક જંગલી કૂતરાને જોયા બાદ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ દક્ષિણ ડાંગ વન વિભાગ ના ડી.એફ.ઓ.દિનેશભાઇ રબારી અને સ્ટાફ દ્વારા જંગલ વિસ્તારમાં નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવતા એશિયાટિક વાઇલ્ડ ડોગનું નર અને માદા જોડું કેમેરામાં કેદ થતા પ્રકૃતિપ્રેમીઓમાં ૫૦ વર્ષ બાદ ઢોલ પ્રજાતિનું પ્રાણીનું અસ્તિત્વ હોવના પુરાવા મળતા આનંદની અનુભૂતિ થઈ હતી. ઢોલ પ્રજાતિ ઇન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭૨ ના શિડયુલ ૦૨ હેઠળ સરક્ષિત યાદીમાં સમાવિષ્ટ છે. ઉપરાંત ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા નામશેષ થવાના આરે પહોંચી ગયેલા પ્રાણીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યું છે. અહીં હવે આ પ્રજાતિનું વિસ્તાર થાય તેવું વન વિભાગે સતત નિગરાની સાથે સંવર્ધન માટે કાર્યવાહી હાથ ધરી છે.
ઢોલ પ્રજાતિનું આ પ્રાણી ઝુન્ડમાં રહી શિકાર કરવામાં માહિર ગણાય છે. તેની પૂંછડી વાળથી ભરાવદાર હોય વાઘને પણ હંફાવી દે તેવી શક્તિ ઘરાવે છે. હાલ વાંસદા રાષ્ટ્રીય પાર્કમાં ઝરખ, અજગર, નાગ, દીપડા, ચિતળ, હરણ, સસલા, જંગલી ભૂંડ, જંગલી મરઘાં,સહિત અસંખ્ય પંખીઓનો ખજાનો ધરભાયો છે.જેમાં ઢોલ પ્રજાતિનું નર માદાની જોડી ઉમેરાતા હવે પ્રકૃતિપ્રેમીઓને નવલું નજરાણું જોવા મળશે.