નદીના પટ્ટમાં ઝુંપડામાં રહેતી એક ત્રણ વર્ષની બાળકીને ગઇ મધરાત્રે 35 વર્ષીય રીક્ષા ચાલકે મધરાત્રે ઝુંપડામાંથી ઉપાડી જઇ જીંજુડાની સીમમાં દુષ્કર્મ આચરી બાળકીને છોડી દીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ પોતાની કુનેહથી સાવરકુંડલામાં રેલવે સ્ટેશન પાસે રહેતા રીક્ષા ચાલક યુવાનને આ કેસમાં ઝડપી લીધો હતો. તેની રીક્ષામાંથી લોહી અને વિર્યના નમુના પણ મળી આવ્યા હતાં.
માત્ર ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની આ હિંચકારી ઘટના સાવરકુંડલામાં ગઇ મધરાત્રે બની હતી. મણીનગર વિસ્તારમાં જનતા બાગ પાછળ નદીમાં ઝુંપડુ બનાવીને રહેતા એક પરિવારની ત્રણ વર્ષની બાળકી ઝુંપડામાં સુતી હતી ત્યારે સાવરકુંડલા રેલવે સ્ટેશન પાસે રહેતો રાજુ ઉર્ફે કડી નારણભાઇ માંગરોળીયા (ઉ.વ. 35) નામનો યુવક તેને પોતાની રીક્ષામાં ઉપાડી ગયો હતો. આ યુવક તેને જેસર રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને રીક્ષામાં જ તેના પર દુષ્કર્મ આચરી મો કાળુ કર્યુ હતુ અને બાદમાં બાળકીને રેઢી મુકી પરત સાવરકુંડલા આવતો રહ્યો હતો.
જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય અને એએસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એલસીબી, એસઓજી અને સાવરકુંડલાની પોલીસ ટુકડીઓએ જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. આરોપીના મળેલા વર્ણનના આધારે રાજુલા માંગરોળીયાને ઉપાડી લઇ પુછપરછ કરાતા તેણે ગુનો કબુલ કરી લીધો હતો. તેની રીક્ષા પણ પોલીસે કબજે લીધી હતી. જેમાંથી લોહી અને વિર્યના ડાઘ મળી આવ્યા હતાં. આ શખ્સની છેલ્લા કેટલાક દિવસોથી ઝુંપડપટ્ટીની આસપાસ જ બેઠક હતી. ગઇરાત્રે મોકો મળતા જ તેણે બાળકીને ઉપાડી જઇ દુષ્કર્મ આચર્યુ હતું.