જૂનાગઢ તાલુકાના વડાલ નજીક બિનવારસુ હાલતમાં ઉભેલા ઇન્ડેન ગેસના ટેન્કરમાં પોલીસે બાતમીના આધારે તપાસ કરતા તેમાંથી ૫૨ લાખની કિંમતનો ૧૨૫૦૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ ટ્રકના ડ્રાઇવર-કલીનર નાસી ગયા હતા. પોલીસે કુલ ૬૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ જેમાંથી મળ્યો તે રાજસ્થાનનું ટેન્કર છે અને જૂનાગઢના જીઆઇડીસીમાં આવતું હોવાની પોલીસને માહિતી મળી હતી.
રાજસ્થાનના ટેન્કરમાંથી નીકળ્યો દારૂ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાન પાસીંગના ગેસ ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી આ ટેન્કર જૂનાગઢ તરફ આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી ગતરાત્રીના એસ.પી. સૌરભસિંહની સુચનાથી તાલુકા પોલીસ, એ. તથા બી. ડિવીઝન પોલીસના સ્ટાફે ગતરાત્રીના વડાલ આસપાસ વોચ ગોઠવી હતી અને તાલુકા પી.એસ.આઇ. બી.એમ. વાઘમશી સહિતના સ્ટાફે વોચ દરમ્યાન વડાલ નજીક બિનવારસુ હાલતમાં ઉભેલા આર.જે. ૧૯ જી.બી. ૯૨૧૯ નંબરના ઇન્ડેન ગેસના ટેન્કરમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂની પેટી છુપાવેલી જોવા મળી હતી.
ટેન્કરમાં 1041 વિદેશી દારૂ મળી આવ્યો
આથી ઇન્ડેન ગેસના ટેન્કરને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું. બાદમાં ટેન્કરના ઢાંકણા મારફત એક સિંગલ બોડીના વ્યકિતને અંદર ઉતારી દારૂની પેટીઓ બહાર કાઢવામાં આવી હતી. આ ટેન્કરમાંથી ૧૦૪૧ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ૫૨ લાખની કિંમતનો ૧૨૫૦૪ બોટલ દારૂનો જથ્થો તથા ૧૫.૮૦ લાખની કિંમતનું ગેસ ટેન્કર મળી કુલ ૬૮.૫૨ કિંમતનું ગેસ ટેન્કર મળી કુલ ૬૮.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે તાલુકા પી.એસ.આઇ. બી.એમ. વાઘમશીએ ગેસ ટેન્કરના ડ્રાઇવર વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.
ગેસના ટેન્કરમાં છુપાવવાનો નવો કિમીયો
આ અંગે ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જૂનાગઢના જી.આઇ.ડી.સી.માં લાવી કટીંગ કરવાના હોવાની બાતમી મળી હતી. બુટલેગરો દ્વારા ગેસ ટેન્કરમાં દારૂ છુપાવી લાવવામાં આવ્યો હતો. પરંતુ બાતમી મળતા તેનો નવો કિમીયો નિષ્ફળ રહ્યો હતો. હાલ ટેન્કરના આધારે દારૂ કોનો હતો અને કોને – કોને આપવાનો હતો? એ સહિતની બાબત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ટેન્કર રાજસ્થાન પાસીંગનું છે. આથી દારૂ પણ રાજસ્થાનથી આવ્યો હોવાનું અનુમાન છે.