ગુજરાતમાં ઘરફોડ, લૂંટ અને ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. હવે મહિલાઓની ટોળકી પણ ચોરી કરવામાં સક્રિય બની છે. મોરબીમાં દાગીના ખરીદવાના બહાને સોની પાસે આવેલી મહિલાઓએ વેપારીની નજરમાંથી અઢી લાખના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સોનીબજારમાં ઝવેરીઓ પાસે દાગીના ખરીદવાના બહાને આવેલી બે મહિલાઓએ વેપારીનું ધ્યાન ખેંચ્યું હતું અને 2.5 લાખની કિંમતની 10 જોડી સોનાની બુટ્ટીનું બોક્સ લઈને ભાગી ગઈ હતી. વેપારી હાર્દિક રવેશિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 15 જાન્યુઆરીએ તે અને તેના કાકા અલ્કેશ રવેશિયા અંબાજી જ્વેલર્સ નામની દુકાને હતા. ત્યારબાદ બપોરે બે મહિલાઓ ગ્રાહક બનીને આવી અને કાનની બુટ્ટી ખરીદવાનું કહેતા મારા કાકાએ મહિલાઓને સોનાની બુટ્ટી બતાવી હતી.
કાનની બુટ્ટી જોઈને આ મહિલાઓ ત્યાંથી ચાલતી રહી, પણ ખરીદી ન કરી. મહિલાઓના ગયા પછી હાર્દિક અને તેના કાકાએ જોયું કે ટેબલ પાસે રાખેલી સોનાની બુટ્ટીનું બોક્સ ગાયબ હતું. તે બોક્સમાં અઢી લાખ રૂપિયાની કિંમતની 44.960 ગ્રામ વજનની બુટીની 10 જોડી હતી. સોનાની બૂટીઓથી ભરેલું બોક્સ ન મળતાં વેપારીએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
દુકાનમાં આવેલી બંને મહિલાઓ કાકાને વાતોમાં મશગૂલ કરવાનો પ્રયાસ કરી રહી હતી અને સોનાની બુટ્ટી ભરેલી પેટી બેગમાં સરકાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. આ પછી તે સોની બજારમાં મહિલાઓને શોધવા નીકળ્યો હતો. પરંતુ તેઓ મળ્યા ન હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બે અજાણી મહિલાઓ સામે ચોરીની ફરિયાદ નોંધી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.