ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકામાં જોવા મળશે. ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે સીઆર પાટીલના હાથમાં રાષ્ટ્રીય ભાજપની કમાન આવી શકે છે.
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું ત્યારે સીઆ પાટીલને મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે તેવી અટકળોએ જોર પક્ડયું હતું. પરંતુ સીઆર પાટીલે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી સ્પષ્ટ કહી દીધું હતું કે હું મુખ્યમંત્રી પદની રેસ કે મંત્રી પદની રેસમાં ક્યાંય નથી. આ પહેલાં પણ કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણ વખતે પણ સીઆર પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે તેવી ચર્ચા ચાલી હતી પરંતુ ત્યારે પણ તેમણે મંત્રી પદની ચર્ચા પણ પૂર્ણવિરામ મૂકીને સમગ્ર વાતને માત્ર અફવા ગણાવી હતી.
ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે સીઆર પાટીલને કેન્દ્ર કે ગુજરાત સરકારમાં મંત્રી બનાવ કરતાં સંગઠનમાં વધુ દિલચશ્પી છે. તેઓ ક્યારેય પણ પોતાના કાર્ડ ખોલતા નથી. ગુજરાત માટે હાલ તેઓ વડાપ્રધાન મોદીના સૌથી વધુ વિશ્વાસુ હોવાનું મનાય છે અને એટલે જ વડાપ્રધાને ગુજરાતની કમાન સીઆર પાટીલના હાથમાં સોંપી છે.
કોંગ્રેસ દ્વારા તેમના પર સુપર સીએમ હોવાના આક્ષેપો કરવામાં આવે છે પણ સીઆર પાટીલને નજીકથી ઓળખનારા જાણે છે કે તેઓ ક્યારેય પણ મંત્રી મંડળ કે સરકારની બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરતા નથી. સરકાર અને સંગઠન વચ્ચે સુમેળ રહે તેવા પ્રયાસોમાં તેઓ સતત જોવા મળે છે.
સીઆર પાટીલના હાથમાં ભાજપની રાષ્ટ્રીય કમાન આવશે તે અંગે ચર્ચા છે તેનો અણસાર હાલ યુપી અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપ દ્વારા ગુજરાતના કાર્યકરો અને નેતાઓ પર ભરોસો મૂકવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને યુપીમાં જે પ્રકારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે પણ એક કારણ છે. આ ઉપરાંત કર્ણાટક, બિહાર ઉપરાંત આસામ અને છત્તીસગઢની ચૂંટણીમાં પણ સીઆર પાટીલ રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા ભજવીને ભાજપને જીત અપાવવા માટે પ્રયત્નશીલ રહ્યા હતા.
સીઆર પાટીલમાં રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ ધારણ કરવાની રાજકીય સૂઝબૂઝ ભારોભાર છે અને તેઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકામાં જોવા મળે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. હાલના પ્રમુખ જેપ નડ્ડાનો કાર્યકાળ 2023માં પૂરો થશે. જેપી નડ્ડાએ 2020 જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. હવે જોવાનું એ છે કે ગુજરાતના સુરતથી ઉદય થયેલો ભાજપના આ સિતારા અને નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ રાષ્ટ્રીય ફલક પર શું ભૂમિકા ભજવે છે.