ડાંગ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તંત્રની પણ ઊંઘ હરામ કરી નાંખી છે. ત્યારે ડાંગ જિલ્લામાં લોકો વહીવટી તંત્રને સહકાર ન આપી મુસીબતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા લોકો સરકારના રસીકરણ અભિયાનથી દૂર રહે છે અને તબિયત બગડતા સરકારી દવાખાનામાં ન જઈ ખાનગી બોગસ ડૉકટરોને ત્યાં પહોંચી જાય છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે, ડાંગના 311 ગામોમાં આશરે 80થી વધુ બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરીને દર્દીના જીવને જોખમમાં મૂકે છે. આ સાથે લોકો પણ તેમની પર વિશ્વાસ કરીને સરકારી દવાખાના બદલે આવા બોગસ ડૉક્ટરોના દવાખાનામાં જાય છે.
રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં સંક્રમણ ખૂબ ઓછું રહ્યું જેના કારણે અત્યાર સુધી વહીવટી તંત્રને રાહત હતી. જોકે, કોરોનાની બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં પણ રોજેરોજ કોવિડ19ના કેસમાં વધારો જોવા મળતાં વહીવટી તંત્ર ચિંતામાં મૂકાયું છે. વહીવટી તંત્રની આ ચિંતાનું કારણ જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો છે, ડાંગના 311 ગામોમાં આશરે 80થી વધુ બોગસ ડીગ્રી ધરાવતા ડૉક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે. બંગાળ, યુપી અને મહારાષ્ટ્રમાંથી આવતા આવા ડૉક્ટરો ભાડાના કાચા મકાનમાં હૉસ્પિટલ બનાવી લોકોની સારવાર કરતા જોવા મળે છે.
અજ્ઞાનતાને કારણે ડાંગની પ્રજા પણ સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં સારવાર ન કરાવતાં આવા બોગસ ડોકરોને ત્યાં સારવાર લઈ રહ્યા છે. પીપલદહાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. શકુન્તલાના કહેવા મુજબ, સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટે ચાલતા અભિયાન મુજબ આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોના રિપોર્ટ કરવાના હોય છે જેનો આ સ્થાનિક લોકો વિરોધ કરે છે. જેઓ પોઝિટિવ રિપોર્ટ આવવાના ડર ને કારણે આરોગ્ય કેન્દ્રમાં આવતા નથી. તેઓને લાગે છે કે, જો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેઓને પરિવારથી દૂર થવું પડશે અને આ પરિસ્થિતિનો લાભ ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉકટરો ઉઠાવી રહ્યા છે.
આવા ડોકટરો પોતાની પાસે કોઈ સુવિધા ન હોય તેમ છતાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પાસે પૈસા પડાવવા આડેધડ ઇન્જેકશન આપે છે અને બાટલા ચઢાવી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. પતરાના શેડમાં લાઇનબંધ સુતેલા દર્દીઓ, તૂટેલા ગંદા ખાટલા ઉપર કે ગરમીમાં ખુલ્લા આકાશમાં ઝાડ નીચે બાટલા ચઢાવેલા દર્દીઓ ડાંગ જિલ્લાના મોટા ભાગના ગામોમાં જોવા મળી રહ્યા છે.
સ્થાનિક યુવક યુવતીઓને નર્સ તરીકે કામ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા અસંખ્ય ડોકટરોને કારણે ડાંગમાં રસીકરણ અભિયાન અટકી પડ્યું છે. લોકોના આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પણ લઈ શકાતા નથી. કોટનના બ્લ્યુ કલરના ગાઉનને પી.પી.ઈ. કિટ બનાવી આવા ડોકટરો પોતાની જાતને તો છેતરી રહ્યા છે સાથે ગરીબ આદિવાસી લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.
ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી, સંજય શાહના જણાવ્યા પ્રમાણે, ડાંગ જિલ્લા કલકેટર અને ધારાસભ્યને આ બાબતની ફરિયાદ મળતાં તાત્કાલિક મિટિંગ બોલાવીને આવા ડોકટરો ને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીએ પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મહત્ત્વનું છે કે, કોરોનાને હરાવવા એક તરફ શહેરોમાં લોકો આર.ટી.પી.સી.આર રિપોર્ટ કરાવવા લાઈનો લગાવી રહ્યા છે. અને જ્યાં આવા રિપોર્ટ થતા નથી ત્યાં લોકો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં લોકો ટેસ્ટથી બચવા મફતમાં મળતી સારવાર છોડી બોગસ ડૉકટરો પાસે સારવાર લેવા જાય છે.