ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમદાવાદ-રાજકોટ હાઈવેને સિક્સ લેન બનાવવાના ચાલી રહેલા કામનું પરિક્ષણ કરવા માટે અચાનક જ પહોંચ્યા હતા. અને કટારિયા, બગોદરા ખાતે ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી પરત ફરતા તેમણે હાઈવે પર આવેલી હોટેલમાં સામાન્ય માણસની જેમ ખાટલા ઉપર બેસી અધિકારીઓ સાથે ‘ચા’ ની ચૂસકી માણી હતી. સીએમ પટેલને ખાટલા પર બેસી ચા પીતા જોઈને લોકોને નવાઈ લાગી હતી. અને કેટલાકે તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા.
દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ આ પહેલા પણ પોતાના મત ક્ષેત્રમાં આવતા શીલજ ગામમાં ચાની કિટલી પર કાર્યકરો સાથે ચા પીવા બેસી ગયા હતા, અને કાર્યકરો ઉપરાંત ગ્રામજનો સાથે ‘ચાય પે ચર્ચા’ કરી હતી. પટેલ પોતાના સરળ સ્વભાવનો પરિચય પહેલા પણ આપી ચૂક્યા છે. સીએમ બન્યા બાદ પણ તેઓ રાજકારણીની જેમ ઝભ્ભો-લેંઘો પહેરવાને બદલે પેન્ટ-શર્ટ પહેરીને જ ઓફિસે આવવાનું અને જાહેર કાર્યક્રમોમાં જવાનું પસંદ કરે છે. ઉપરાંત, તેમણે સચિવાયલના દ્વાર પણ સામાન્ય જનતા માટે ખોલી નાખ્યા છે.
આજરોજ સીએમે હાઈવેના કામકાજની સાથે હાલ બની રહેલા 53 કિમી લાંબા અરણેજ ફ્લાયઓવરની પણ સમીક્ષા કરી હતી. સીએમે ઉચ્ચ અધિકારીઓ સાથે સાઈટ પર જાત નિરીક્ષણ કરીને કેટલીક સૂચના પણ આપી હતી. બગોદરાથી પરત આવી રહેલા સીએમ આજે હાઈવે પર આવેલી એક કાઠિયાવાડી હોટેલમાં ચા પીવા માટે રોકાઈ ગયા હતા. તેમને ઉચ્ચ અધિકારીઓ સાથે ચા પીતા જોઈને હોટેલમાં જમવા આવેલા લોકો પણ ઘડીભર ચોંક્યા હતા.