ખંભાળીયાઃ લગ્ન પ્રસંગો અને બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. પરંતુ જામખંભાળિયામાંથી એક ટીડીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટીડીઓએ પોતાના નિવૃત્તિના દિવસ હોવાથી આ પહેલા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. ટીડીઓનો દારૂ પીતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એસ.કે મેણાતનો આજે નિવૃત્તિનો છેલ્લો દિવસ હોઈ, ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા પૂર્વ આયોજિત આયોજન કરી દારૂની મહેફિલ માણતા હોય એવો વીડિયો વાઇરલ કરતાં સરકારી કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જોકે આ વીડિયોમાં તાલુકા વિકાસ અધિકારી રીતસર દારૂના જામ મારતા હોઈ પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળ્યું છે, આ વીડિયોમાં અન્ય પણ એક વ્યક્તિ દારૂની મોજ માણવાની વાતો કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
આમ, ટીડીઓના નિવૃત્તિના દિવસે દારૂની મોજ માણતાનો વીડિયો વાઇરલ થતાં જિલ્લાભરના અધિકારીઓમાં ભારે હડકંપ મચી ગયો હતો. જોકે આ વીડિયો ક્યારનો છે એ કોઈ સ્પષ્ટ થયું નથી, પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાથે અન્ય શખસ દારૂની મહેફિલમાં મસ્ત થઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે.
આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે આ વીડિયોના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારી દારૂ પિતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે દારૂ પીનાર અધિકારી અને દારૂ લઈ આવી આપનાર ઇસમ કોણ છે એની તપાસ પોલીસ ચલાવી રહી છે.