ગોધરા: કોરોના મહામારીની બીજી લહેરમાં સર્જાયેલી ભયાવહ અને ચિંતાજનક સ્થિતિ પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકો હજી સુધારવાનું નામ નથી લેતાં. એવી જ ગંભીર સ્થિતિના દ્રશ્યો ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં લગ્ન પ્રસંગે યોજાયેલા એક વરઘોડાના જોવા મળ્યા હતા. વરઘોડામાં અંદાજીત સોથી વધુ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે આ બાબતે કાંકણપુર પોલીસે વરરાજાના માતા પિતા ,ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસ ગુનો નોંધે અથવા કોઈ જાગૃત વ્યક્તિ વીડિયો વાયરલ કરે તો જ આવા બેફામ બનતાં લોકોની શાન ઠેકાણે આવે એ કેટલા અંશે વ્યાજબી કહીં શકાય? જો લોકો સ્વયં જનજાગૃતિ નહિં દાખવે અને આજ સ્થિતિ યથાવત રહેશે તો કોરોનાની ત્રીજી લહેર ગ્રામ્ય વિસ્તારોમાં નજીકના જ દિવસોમાં આવશે જે બાબત સહેજ પણ નકારી શકાય નહીં!!
હાલ ચાલી રહેલા કોરોનાકાળમાં કેટલાક લોકોની બેદરકારીનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ બની સંક્રમિત થઈ રહ્યા છે.
આ વણસતી પરિસ્થિતિ સામે અંકુશ મેળવવા માટે સરકારે આંશિક લોકડાઉન કર્યુ હતું અને જાગૃત નાગરિકોએ પોતાના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કર્યા હતા.આ તમામ પ્રયાસો પછી કેસની સંખ્યામાં ઘટાડો થતાં હાલ અંશતઃ રાહતની સ્થિતિ છે. બીજી તરફ અગાઉ શહેરી વિસ્તારોમાં સીમિત રહેલો કોરોના હવે ગ્રામ્ય વિસ્તારોમાં વકર્યો છે.જેનું તાદશ્ય ઉદારહણ કોરોનાની બીજીમાં જોવા મળ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસની સંખ્યામાં અધધ માત્રામાં વધારો થવા ઉપરાંત મૃત્યુ આંક પણ વધી ગયો હતો.માંડ માંડ હમણાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ છે ત્યારે તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ત્યાં જ હવે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં લોકો કોરોના મહામારી પુરી થઈ ગઈ હોય એમ બિન્દાસ બની ગયા છે.
લગ્ન પ્રસંગોમાં લોકો માસ્ક વિના બિન્દાસ્ત ફરતાં જોવા મળી રહ્યા છે.રવિવારે રાત્રે ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં એક લગ્ન પ્રસંગનો વરઘોડો યોજાયો હતો જેમાં વરરાજા સહીત સો જેટલા લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના બિન્દાસ્તપણે ડીજેના તાલે નાચતાં જોવાયા હતા અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ વાયરલ વીડિયો અંગે પોલીસે જવાબદાર લોકો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.પરંતુ જો લોકો જ બેદરકારી દાખવતાં રહેશે તો કોરોનાના લોકલ ટ્રાન્સમિશનની ચેઇન ક્યારેય પૂર્ણ નહિં થાય એમ ઉલ્લેખવુ અતિશયોક્તિ નથી.