ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની આજે મતગણતરી ચાલું છે ત્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં અત્યાર સુધી મોટાભાગે ભાજપ જ આગળ જોવા મળી રહી છે. નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં 12 વાગ્યા સુધીમાં ભાજપ આગળ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે.
મળતી માહિતી પ્રમાણે 11 વાગ્યા સુધીના પરિણામો પર નજર કરીએ તો, જિલ્લા પંચાયતમાં બીજેપી 181, કૉંગ્રેસ 33, અને અન્યને ફાળે એક બેઠક ગઇ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બીજેપીને 460, કૉંગ્રેસને 95, અન્યને 06 બેઠકો મળી છે. ત્યારે નગરપાલિકામાં બીજેપીને 339, કૉંગ્રેસને 62 અને અન્યને 03 બેઠકો મળી છે.
મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસની જીત થઇ છે. આણંદ જિલ્લાની આંકલાવ તાલુકા પંચાયતની આસોદર 1 તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનાં ઉમેદવારની જીત થઇ છે. ભાજપના ઉમેદવારોને 1123 વોટ અને કોંગ્રેનસના ઉમેદવારને 1878 વોટ મળ્યાછે. લીમખેડા તા.પચાયતની દશલા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. રાજકોટ તાલુકા પંચાયતમાં માલિયાલણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નીરૂબેન બોરડ વિજેતા બન્યા છે.
ખાનપુર તાલુકાના બાકોર જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ભાથીભાઈ જવારાભાઈ વિજય બન્યા છે. ખાનપુર તાલુકા પંચાયતની 16 પૈકી બાકોર અને બોરવાઈ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો. દહેગામ નગર પાલિકા વોર્ડ નંબર 1માં પેનલનો વિજય થયો છે. આ સાથે ભુજ વોર્ડ નંબર 7 બીજેપી પેનલની જીત થઇ છે. ચારે ઉમેદવારોની જીત થઇ છે. જિલ્લા પંચાયતની જેસર બેઠક ઉપર ભાજપનાં પૂર્ણાંબાનો વિજય થયો છે. હારીજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.
તાપીના નિઝર તાલુકા પંચાયતની ભીલજાંબોલી બેઠકના ભાજપના ઉમેદવાર અમરસિંગ વળવીની 82 મતોથી જીત થઇ છે. તા.પં કોટડા સાંગાણીમાં અનીડા વાછરાના ભાજપના ઉમેદવાર શીતલબા ડાભીની જીત થઇ છે. અરડોઈ સીટ પર ભાજપ અંજનાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત થઇ છે. ભુજ પાલિકામાં વોર્ડ નં 7માં બીજેપી પેનલની જીત થઇ છે. પંચમહાલના મોરવા હડફ તાલુકાની અગરવાડા બેઠકમાં ભાજપ 1572 મતથી વિજેતા બન્યું છે. સાબરકાંઠાનાં હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વૉર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના બે ઉમેદવારોની જીત બે બેઠક બિનહરીફ થયેલ હતી. ભાજપના રાજુભાઇ દેસાઈ અને રાકેશભાઈ પટેલનો વિજય થયો છે.
અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો છે. 500થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની છે. બનાસકાંઠાનાં થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બન્ને બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાભર પાલિકામા વોર્ડ.1 ના ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. જેમાં પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરીગર ગૌસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોરનો વિજય મેળવ્યો છે. આ સાથે લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત થઇ છે. 562 મતે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. અરવલ્લીના મોડાસા નગરપાલિકા વોર્ડ-૦1માં ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો છે. દહેગામ નગર પાલિકા પ્રથમ તબક્કાના મતદાનમાં વોર્ડ નંબર 1 બેઠક પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોની પેનલ વિજેતા બની છે. ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા બન્યા છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા બન્યા છે.
દસક્રોઈ તાલુકા પંચાયતની 23 બેઠક પૈકી 01 અસલાલી પર ભાજપ ઉમેદવાર રમીલાબેન ચૌહાણ વિજેતા થયા છે. 813 વોટથી તેમની જીત થઇ છે. તેમને 2491 વોટ મળ્યા છે. કૉંગ્રેસના સુશીલા બેન ચૌહાણની હાર થઇ છે. તેમને 1685 વોટ મળ્યા છે. આ ઉપરાંત 85 વોટ નોટામાં પડ્યા છે. મહત્ત્વનું છે કે, આ બંને ઉમેદવાર દેરાણી જેઠાણી છે. દેરાણીની જીત થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોએ જીત મેળવી લીધી છે. 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. ત્યારે ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી લીધી છે. જેમાં કડીમાં 36માંથી 26 બેઠક બિનહરીફ અને ઉના નગરપાલિકાની 36માંથી 26 બેઠક બિનહરીફ મેળવી કબજો કરી લીધો છે
અમદાવાદમાં નગરપાલિકા અને જિલ્લા-તાલુકાની કુલ 314માંથી 300 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત 14 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી અને 806 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાંથી ખુલશે. 2015માં અમદાવાદની બોપલ-ઘુમા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 34 ભાજપને મળી હતી. જ્યારે એક કોંગ્રેસને મળી હતી અને એક બિનહરીફ જાહેર થઈ હતી. ધોળકા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો ભાજપ અને 9 બેઠકો કોંગ્રેસને મળી હતી. જ્યારે વિરમગામ નગરપાલિકાની 36 બેઠકો પૈકી 17 ભાજપ, 11 કોંગ્રેસ અને 3 બેઠક અપક્ષને મળી હતી. જ્યારે 5 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.
મહેસાણામાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે. તે બાદ ઇવીએમથી મતગણતરી સરૂ થશે. મહત્ત્વનું છે કે, કોરોના મહામારીને કારણે મતગણતરી કરનાર સ્ટાફના પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યા છે જે બાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યાં છે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પર મત ગણતરી યોજાશે. રાજકોટની 11 તાલુકા પંચાયતની મતગણતરી યોજાશે. જેતપુર તાલુકા પંચાયતમાં કુલ 20 બેઠકો પર, ઉપલેટા તાલુકા પંચાયતમાં 18 બેઠકો પર, જસદણ તાલુકામાં 22 બેઠકો પર, વીંછીયા તાલુકા પચાયતમાં 18 બેઠક પર, ગોંડલ તાલુકા પંચાયતમાં 22 બેઠકો, પડધરી તાલુકા પંચાયતમાં 16 બેઠકો પર, ધોરાજી તાલુકા પંચાયતમાં 16 બેઠક પર, જામકંડોરણા તાલુકા પંચાયતમાં 16 બેઠક પર, રાજકોટ તાલુકા પંચાયત ની 21 બેઠક પર, લોધિકા તાલુકાની 16 બેઠક પર, કોટડા સાંગણીની તાલુકાની 16 બેઠક પર મતગણતરી યોજાશે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના કલોલમાં આવતી 6 સીટ સાથે કલોલ તાલુકા પંચાયતની 26 સીટ સાથે કલોલ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોનું પરિણામ જાહેર થશે. જિલ્લા અને તાલુકાનું કલોલની સરકારી ટેક્નિકલ સંસ્થામાં જ્યારે કલોલ નગરપાલિકા માટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મત ગણતરી થશે. પરિણામને કારણે કલોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે વોર્ડ પ્રમાણે અલગ અલગ સમયે ગણતરી થશે. કલોલ તાલુકા પંચાયત ગત ટર્મમાં કોંગ્રેસનું શાશન હતુ. તો કલોલ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી બીજેપી સત્તામાં છે.
81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.