Gujarat: ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું ઓછું મતદાન : અમરેલીમાં 45.59%, પોરબંદરમાં 46.51%, ભાવનગરમાં 48.59%, સુરેન્દ્રનગરમાં 49.19% જામનગરમાં 52.36%, જૂનાગઢમાં 53.84% અને રાજકોટમાં 54.29% મતદાન થયું છે. જ્યારે કચ્છ બેઠક પર 48.96% મતદાન થયું છે.
ઉનાના બાણેજમાં 100 ટકા મતદાન
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર સો ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નંબર ત્રણમાં એક માત્ર મતદાર હરીદાસ બાપુએ મતદાન કરતા જ સો ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે દર ચૂંટણીમાં આ બુથ પર સો ટકા મતદાન થાય છે.
ત્રીજા તબક્કામાં મતદારોનો ઉત્સાહ વધ્યો
ત્રીજા તબક્કામાં મતદારોનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બપોરના 1 વાગ્યાના જાહેર કરાયેલા મુજબ પશ્ચિમ બંગાળમાં 49.27 ટકા તો આસામમાં 45.88 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, ગોવામાં 49.04 ટકા જ્યારે મધ્ય પ્રદેશમાં 44.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન થયું છે.