આજે દિવસભર ગુજરાતમાં ત્રણ ઘટનાઓ સતત ચાલી રહી હતી. કપિલ સિબ્બલની અમદાવાદમા પ્રેસ કોન્ફરન્સ, હાર્દિક પટેલું લાફા પ્રકરણ અને રેશ્મા પટેલ પર કરાયેલો હુમલો. હાર્દિક અને રેશ્મા પટેલ પર કરાયેલા હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં વિપક્ષોમાં તણાવનું વાતાવરણ છે અને મતદાનના દિવસે અનિચ્છનીય ઘટનાની આશંકાને લઈ પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે.
હાર્દિક પટેલ પર ભાજપનો કાર્યકર મનાતા તરુણ ગજ્જર નામના યુવાને ચાર વર્ષ પહેલાંની વાતને લઈ હુમલો કરતા હાર્દિક પટેલે તેની સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલની જાનને ખતરો હોવાનું જણાવી પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે.
બીજી તરફ રેશ્મા પટેલ સાથે હિચકારી હરકત કરી હુમલો કરવામાં આવ્યા બાદ રેશ્મા પટેલની ફરીયાદ પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી રહી ન હોવાથી રેશ્મા પટેલે પણ સરકાર અને પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. રેશ્માએ ચૂંટણી પંચ અને ડીજીને પત્ર લખી પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે.