વિશ્વ માતૃભાષા દિવસે જ વિદેશથી આવતા ગુજરાતીઓ અચરજ પામી ગયા. માતૃભાષાનો જશ લેતા સાહિત્યપ્રેમીઓને નવાઈ લાગે એવા પણ ઉદાહરણો છાશવારે જોવા મળી રહ્યાં છે. ચૂંટણીના પ્રચાર સાહિત્ય હોય કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોર્ડીંગ્સ, લખાણમાં ખામી ક્યાંકને ક્યાંક જોવા મળી હશે. પરંતુ, નજીવામાં નજીવી બાબતનું જ્યાં ધ્યાન રખાતું હોય અને મંજુરી લેવાની થતી હોય તેવા સ્થળોએ પણ તંત્રની ભુલો બહાર આવે છે.
ગુજરાતીઓ કાયમ કહેતા રહે છે, કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણા સમય બાદ ગુજરાતી ભાષા વાંચવાના હરખમાં ઉતરેલા ગુજરાતી પ્રવાસીઓને વિશ્વ માતૃભાષા દિવસે જ ગુજરાતીમાં છબરડા જોવા મળ્યાં.એરપોર્ટ પર ઉતરતાની સાથે જ “શિશુ દેખબાળ કક્ષ” વાંચી સામાન્ય વ્યક્તિના મનમાં થતું હશે કે, “આપણે ત્યાં ના ત્યાં રહ્યાં”. હિન્દી જ્યાં “शिशु देखभाल कक्ष” લખ્યું હોય ત્યાં, ગુજરાતીમાં “શિશુ દેખભાળ કક્ષ” ની જગ્યાએ “શિશુ દેખબાળ કક્ષ” વાંચી તંત્ર પર તો હસતા રહ્યાં સાથે નિરાશ પણ થયાં. એરપોર્ટ પર ઉતરેલા પ્રવાસીએ લીધેલી પ્રસ્તુત તસવીર એવી રીતે શેર થઈ રહી છે, કે જેમાં માતૃભાષા પર ગર્વ ઓછો અને શરમ વધુ આવે છે.જો કે બીજી તરફ અમદાવાદને હેરીટેજ સીટી જાહેેર કરવામાં આવ્યુ છે. અને તેના હોર્ડીંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.ત્યારે મૂળ અમદાવાદ એટલે કે ગુજરાતી ભાષાનુ હબ છે. તે જ શહેરમાં આ પ્રકારે ભાષાની ભૂલ જોવા મળી રહી છે.
21 ફેબ્રુઆરીએ યુનેસ્કોએ જાહેર કરેલા વિશ્વ માતૃભાષા દિવસે જ લીધેલી આ તસવીર શેર કરતા ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રવાસીને શરમ તો આવી હશે. પણ જણાવી દઈએ કે, શરમ કરતા રોષના સંદર્ભમાં તસવીર ઝડપભેર ગુજરાતમાં વાયરલ થઈ રહી છે.