અમદાવાદઃ રાજ્યમાં અત્યારે ઉનાળો પોતાના અંતિમ તબક્કામાં છે પરંતુ અસહ્ય ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે તો બીજી તરફ આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી રાજ્યમાં થોડા સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હાલ દક્ષિણ,પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. આગામી 4 જૂન, શુક્રવારના રોજ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, આણંદ,ભાવનગર,અમરેલીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 5 જૂનના દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં આ સાથે 6 જૂનના દમણ,દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.
ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. સાથે જ 5 દિવસ આગળ પાછળ ચોમાસું શરૂ થવાનું અનુમાન હતું. જોકે ચોમાસાના આગમનને લઈ ગતિવિધિઓ સાનુકૂળ હતી પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસુ 31 મેના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસુ દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે ગુજરાત ચોમાસાની સતાવાર શરૂઆત 15 જૂનથી થાય છે. ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રાફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.