કેન્દ્રની મોદી સરકારે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કર્યા બાદ તેને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે રાષ્ટ્રપતિએ સહી પણ કરી હતી. પરંતુ ગુજરાતમાં ONGC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં કેન્દ્ર સરકારના 10 ટકા EBC ક્વોટાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ અંગે ભાજપના યુવા મહિલા નેતા રેશ્મા પટેલે ONGCના ધુપ્પલ પરથી પડદો ઉંચકયો છે અને કેન્દ્ર તથા ગુજરાત સરકાર ઉપરાંત ONGCની નીતિઓ સામે સવાલો ઉભા કર્યા છે.
રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં વિગતો શેર કરી કહ્યું છે કે આજે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ઉપર ફિટકાર વરસાવતા કહેવાનું મન થાય છે કે આજે દેશ 250 વર્ષ બાદ ગોરાઓની ગુલામીમાંથી મુક્ત તો થયો પણ વર્તમાનમાં દેશ શાસકો- અને સરકારી ચોરોની માનસિક ગુલામીમાં સપડાઈ ગયો છે. આ તાનાશાહોની ભાજપ સરકારને લોકોનો તો ડર જ નથી. 10% EBC અનામતને તો મજાક બનાવીને રાખી દીધું છે.
રેશ્મા પટેલે કહ્યું કે EBCની અમલવારી કરવાવાળું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું એવી ભાજપ સરકારે બહુ બૂમો પાડી હતી. પરંતુ હવે સરકારે જવાબ આપવો પડશે કે ગુજરાતમાં ONGCની 737 બેઠકોની નોકરીની ભરતીમાં 10% EBCનો ક્વોટા ક્યાં ?? ગુજરાતમાં ONGC નોકરીની ભરતીમાં 10% EBCનો ક્વોટા ન રાખતા 10% EBC ને હું લોલીપોપ અને ચૂંટણીલક્ષી જાહેરાત માનું છું કારણકે આની પહેલાં પણ સિવિલ જજની ભરતીમાં EBC ક્વોટા ન હતો.
રેશ્માએ કહ્યું કે દેશને ગુમરાહ કરવા યુવાનોને છેતરવાવાળી ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર માત્ર તાનાશાહોનાં ઈશારે લોકોને છેતરવાનું જ કામ કરે છે. રૂપાણી સરકાર માત્ર એડવર્ટાઇઝ એજન્સી છે એ વાત આજે સાબિત થાય છે. એટલેજ ગુજરાતની જનતા કહે છે કે સાહેબ સત્તા સંભાળતા ન આવડતી હોય તો CMની ખુરશી જનહિતમાં ખાલી કરો.